________________
૩૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
જૂથ સમયાંતરે બીજા ભિન્ન ભાષાભાષી મોટા જૂથમાં ભળી જાય છે અને પોતાની ભાષા અને રહેણીકરણી તજી દઈ ક્રમે કરીને બીજી અપનાવે છે ત્યારેત્યારે ત્યજી દીધેલી ભાષા ને રહેણીકરણી પોતાની વધતીઓછી છાપ મૂકી ગયા વિના રહેતી નથી. તદનુસાર પ્રાચીન ગુર્જરોની મૂળ ભાષા પણ અત્રત્ય ભાષા પર પોતાના થોડાક સંસ્કાર મૂક્યા વિના ન જ રહી હોય. ગુજરાતી શબ્દભંડોળમાં રહેલા દેશ્ય શબ્દોમાંથી જે અંશ ઈતર ભારતીય ભાષાઓમાં નથી મળતો – ગુજરાતીનો જ લાક્ષણિક અંશ છે, તેને અમુક અંશે ગુર્જરોની મૂળ ભાષા સાથે ઠીકઠીક લેવાદેવા હોય એમ માનવું વધારે પડતું નથી.
ગુર્જરભાષાની લાક્ષણિકતા પ્રાચીન ગુર્જરભાષાને એની પૂર્વભૂમિકાથી જુદી પાડતાં લક્ષણ વ્યવહારદષ્ટિએ નીચે પ્રમાણે આપી શકાય : - ધ્વનિવિકાસના વિષયમાં, (૧) પૂર્વ ભૂમિકામાં આરંભાયેલું દીર્ઘ વ્યંજનોને હૃસ્વ કરવાનું અનુસ્વારનો અનુનાસિક કરવાનું) અને સાથોસાથ પ્રથમાક્ષર પૂરતું પૂર્વવર્તી હૃસ્વ સ્વર દીર્ઘ કરવાનું વલણ હવે ઠરીને ઠામ થાય છે. “સત્ત' જેવા ઉચ્ચારને સ્થાને “સાત' જેવો ઉચ્ચાર સંભળાતો થાય છે. બીજી પણ ઘણી નવ્ય ભારતીયઆર્ય ભાષાઓ માટે આ વલણ લાક્ષણિક છે. ખુલ્લા અક્ષરો બોલવાની આ ખાસિયતથી પ્રાચીન ગુજરાતી વગેરેમાં, સંસ્કૃતમાં હતા તેવા, સ્વરાંતર્ગત એકવડા સ્પર્શ વ્યંજન ફરી પ્રચારમાં આવે છે અને પરિણામે સંસ્કૃત શબ્દોને તેઓના અધિકૃત રૂપમાં અપનાવવા શક્ય બને છે. (આગલી ભૂમિકામાં, સ્વીકૃત સંસ્કૃત શબ્દો અમુક ધ્વનિવિકાર સાથે જ વાપરી શકાતા.) બીજાં ધ્વનિવલણોમાં (૨) અમુક ધ્વનિસંદર્ભમાં હકાર ને વકારનો લોપ, (૩) અંત્ય ઉકારનો અકાર, (૪) સંપર્કમાં રહેલા સ્વરોનો સંકોચ, એ ગણાવી શકાય. રૂપવિકાસના વિષયમાં, આગળના વિભક્તિતંત્રની વિચ્છિન્નતા, અનુગોનો વધતો જતો વપરાશ અને તેમને સંબંધ એક સામાન્ય રૂપનો વિકાસ, સહાયક ક્રિયાપદોની અને કૃદંતમૂલક કાળોની રચના, અને કર્મણિ પ્રત્યય વગેરે જેવા નવતર પ્રયોગો લાક્ષણિક રીતે ધ્યાન ખેંચે છે. શબ્દભંડોળમાં અનેક નવતર શબ્દોના ભરણા ઉપરાંત રવાનુકારી અને દ્વિરુક્ત ઘડતરના શબ્દોનું પ્રમાણ ઘણું વધી જાય છે.
આ બધાં લક્ષણો જે ભાષા ધરાવતી જણાય તેને જ અર્વાચીન ભૂમિકાની કહેવાય. પ્રાચીન ગુર્જર ભાષાની આરંભની કૃતિઓ વજસેનકૃત ભરતેશ્વર-બાહુબલિ-ઘોર' (ઈ.૧૧૬૯ લગભગ), શાલિભદ્રકૃત “ભરતેશ્વર-બાહુબલિ-રાસ' ( ૧૧૮૫), ધર્મકૃત જબૂસામિચરિત્ર (ઇ. ૧૨૧૦) અને વિજયસેનસૂરિકૃત રેવંતગિરિરાસુ (ઈ. ૧૨૩૦