________________
૫૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
આ રૂપાખ્યાનમાં પ્રવેશ્યા તે એક નવતર પ્રવૃત્તિ. આજે તો આ નવીન પ્રત્યય સમગ્ર ગુજરાતમાં વ્યાપ્ત છે (કડિયો, લહિયો, મરણિયો, રૂપિયો, ફળિયું, ઊંધિયું, પતંગિયું વગેરે). જૂની ગુજરાતીકાળમાં આ નવતર પ્રત્યયો ક્યાં શરૂ થયા એ તપાસ જૂની ગુજરાતીના માન્યભાષાનાં પ્રદેશ વિશે કંઈક માહિતી પૂરી પાડી શકે. અહીં આપણે અત્યારની ગુજરાતીમાં સ્થળનામો તપાસીએ ત્યારે માલૂમ પડે છે કે -ઈઓ, ઈઉં પ્રત્યયોવાળાં સ્થળનામો વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં નજરે ચડે છે. આમ તો આખા ગુજરાતમાં આવા પ્રત્યયોવાળાં સ્થળનામો છે, પણ સૌરાષ્ટ્રમાં એ પ્રચુર પ્રમાણમાં છે. આ સ્થળનામો જૂનાં છે (અલબત્ત, કેટલાં જૂનાં વગેરે તપાસ એ સ્વતંત્ર અભ્યાસનો વિષય છે, એટલે એમ અનુમાન કરી શકાય કે સૌરાષ્ટ્રમાં આ પ્રત્યય વધારે વ્યાપક રીતે વપરાશમાં હશે, અર્થાત્, આ પ્રત્યયની શરૂઆત ત્યાં થઈ હશે. (થોડાં સ્થળનામો- સોરઠઃ રાતીયા, વાંકીયા, માળીયા, જાળીયા, ખંડીયું; મધ્યસૌરાષ્ટ્ર: વવાણીયા, ખીજડીયા, પીપરીયા; હાલાર – ખંભાળીયા, જોડીયા; ઝાલાવાડ : વિમનયા, કંથારીયા, ગોહિલવાડ: લીલીયા, ડોળીયા, જ્યારે ગુજરાતના બાકીના જિલ્લાઓમાંથી : ઝઘડીયા, ટંકારીયા, વાલીયા). | મધ્યગુજરાતીકાળમાં હાલાર એક બોલીપ્રદેશ તરીકે જુદું પડી જાય છે. બીજે બધે જ અઈ > એ, અઉ > ઓ થતાં આઠ સ્વરઘટકોની (ઈ એ એ, ઉ ઓ ઓ, અ આ) વ્યવસ્થા નિર્માય છે જ્યારે હાલારમાં છ સ્વરઘટકોની છે એ, ઉ ઓ, અ આ) વ્યવસ્થા નિર્માય છે. હાલાર જુદું જ રહે છે, એનો પુરાવો આપણને ત્યારબાદના એક પરિવર્તનથી પણ મળી રહે છે. (જુઓ નીચે.) | મધ્યગુજરાતીકાળ પછી સ્પષ્ટ રીતે માન્યભાષાનાં કેંદ્રો ઉત્તર ગુજરાતના પાટણથી અમદાવાદ વચ્ચેના પ્રદેશ તરફ ખસેલાં માલૂમ પડે છે. કેટલાંક મહત્ત્વનાં વ્યાકરણ પરિવર્તનો આ પ્રદેશમાં થાય છે અને ત્યાંથી ફેલાય છે. ઉદાહરણ તરીકે આપણે જોયું કે અઈ > એ અને અઉ > ઓ પરિવર્તન થયા બાદ ક્રિયાપદના રૂપાખ્યાનમાં –એ પ્રત્યયનો ફેલાવો થાય છે અને પહેલા પુરુષ બહુવચન માટે જૂના કર્મણિ કરીઇના –ઇને સ્થાને –એ યોજવાથી કરીએ' જેવાં રૂપો પ્રચારમાં આવે છે. સાબરકાંઠા, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં હજી કર્તરિનો જૂનો – (સંસ્કૃત -મામ:) જ વપરાય છે : બોલાં, ચાલાં વગેરે. હાલારીમાં જૂનું કર્મણિ જ વપરાય છે : બોલી છીં, કરી છીં (કદાચ આ –એ હાલાર ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા પ્રદેશોમાં ઝાલાવાડ-મધ્યસૌરાષ્ટ્ર વગેરેમાં પણ ન પહોંચી શક્યો હોય). મધ્યકાળનો આ નવો -એ હવે ઉત્તરગુજરાતની સરહદો ઉપર પ્રચલિત – ને સંપૂર્ણ રીતે ભૂંસી નાખીને આગળ વધેલો છે, માત્ર કેટલાક પ્રદેશમાં એ અવશિષ્ટ માલૂમ પડે છે અને એથી આપણે અનુમાન કરીએ કે આ –એ જોરદાર કેંદ્રોમાંથી ફેલાયેલો છે.