________________
૨૪૬ - ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
મહાન સમુચ્ચય હતો. ‘પંચતંત્ર' અને એની વિવિધ પાઠપરંપરાઓમાં લોકકથાઓનો ઉપયોગ દુન્વયી ડહાપણ અને રાજનીતિના સિદ્ધાંતો શીખવવા માટે કરેલો છે, જ્યારે ‘જાતક'માં બૌદ્ધ, અવદાનોમાં અને પ્રાચીન જૈન સાહિત્યમાં મળતી પુષ્કળ વાર્તાઓ, ખરું જોતાં, ધર્મકથાનું સ્વરૂપ પામેલી લોકકથાઓ જ છે.
ગુણાત્મ્ય કવિની ‘બૃહત્કથા' એ માત્ર ભારતીય સાહિત્યનો જ નહિ, પણ કદાચ વિશ્વસાહિત્યનો પ્રાચીનતમ કથારત્નાકાર ગણાય. ગુણાઢ્ય કવિ પ્રતિષ્ઠાનના સાતવાહન અથવા શાલિવાહન રાજાના દરબારમાં હતો. એક લાખ શ્લોક પ્રમાણનો આ વિરાટ કથાગ્રંથ આપણા દેશની લોકકથાઓનો બૃહત્તમ સંગ્રહ હોઈ ભારતીય સાહિત્યમાં ખૂબ લોકપ્રિય હતો, અને ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી, બલકે પ્રસ્તુત ક્ષેત્રમાં એ કરતાંયે કંઈક અદકી એવી, એની પ્રતિષ્ઠા હતી. સંસ્કૃતનાં સંખ્યાબંધ સુપ્રસિદ્ધ કાવ્યનાટકો અને કથાગ્રન્થોનું વસ્તુ ‘બૃહત્કથા’માંથી અથવા એનાં સંસ્કૃત રૂપાન્તરોમાંથી લેવાયેલું છે અને એમાંની કથાઓનું સાતત્ય પ્રાદેશિક ભાષાઓમાં રચાયેલા સાહિત્ય સુધી બરાબર રહેલું છે. કોઈ ધર્મગ્રંથ સાથે સરખાવી શકાય એવાં આદર અને લોકપ્રિયતા 'બૃહત્કથાએ પ્રાપ્ત કર્યાં હતાં; અનેક વિખ્યાત સંસ્કૃત અને પ્રાકૃત કવિઓએ પોતાની રચનાઓમાં ‘બૃહત્કથા' અને એના કર્તા વિશે સબહુમાન ઉલ્લેખો કરેલા છે.
‘બૃહત્કથા'ના નાયક નરવાહનદત્તના પિતા વત્સરાજ ઉદયનની કથામાં નિપુણ એવા અવંતિજનપદવાસી ગ્રામવૃદ્ધોનો ઉલ્લેખ મહાકવિ કાલિદાસે “મેઘદૂત’માં કર્યો છે. આ ઉપરાંત ‘હર્ષચરિત'નો કર્તા બાણ, ‘વાસવદત્તા’કાર સુબંધુ, ‘કાવ્યાદર્શ’નો કર્તા દંડી, પ્રાકૃત મહાકથા ‘કુવલયમાલા’ના કર્તા ઉદ્યોતનસૂરિ, દશરૂપક'નો કર્તા અને માલવપતિ મુંજનો સભાસદ ધનંજય તેમજ એનો ભાઈ તથા ટીકાકાર ધનિક, ‘ઉદયસુન્દરીકથા’નો કર્તા કાયસ્થ સોઢલ, ‘કાવ્યાનુશાસન'કાર કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્ર, ‘આર્યાસપ્તશતી’કાર ગોવર્ધન, ‘સુરથોત્સવ' મહાકાવ્યનો કર્તા તથા ગુજરાતના મંત્રી વસ્તુપાળનો મિત્ર સોમેશ્વર - આવા અનેક પ્રતિષ્ઠિત ગ્રંથકારોએ પૈશાચી પ્રાકૃત જેવી હલકી ગણાયેલી લોકભાષામાં રચાયેલ ‘બૃહત્કથા’ અને એના કર્તા ગુણાચને અંજલિઓ સમર્પી છે. ‘બૃહત્કથા’ની ખ્યાતિ ભારતવર્ષની બહાર પણ હતી. નવમી સદીના, કંબોડિયાના એક શિલાલેખમાં ગુણાઢ્ય કવિને માનાંજલિ અપાયેલી છે.
આપણા દેશના પ્રાચીન સાહિત્યમાં અનેક વાર એવું બન્યું છે કે કોઈ પ્રસિદ્ધ પ્રાકૃત ગ્રંથના સંસ્કૃતમાં સારોદ્વાર અને સંક્ષેપ તૈયાર થાય એટલે મૂળ ગ્રંથ ક્રમશઃ અજાણ્યો બને અને લુપ્ત થઈ જાય. બૃહત્કથા’ વિશે પણ એમ થયું જણાય છે. એના સંસ્કૃત સંક્ષેપોમાં બુધસ્વામી-કૃત અપૂર્ણ બૃહત્કથાશ્લોકસંગ્રહ'(ઈ.નો પાંચમો