________________
૭
લૌકિક કથા આદિ
ભોગીલાલ સાંડેસરા
૧ લૌકિક કથાઓ
લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્યને બહુ નિકટનો સંબંધ છે. લોકસંગીત જેમ શિષ્ટ સંગીતકલાના મૂળમાં રહેલું છે, લોકનૃત્ય જેમ શિષ્ટ નૃત્યકલાના વિકાસનું ઉપાદાન તેમજ નિમિત્ત કારણ છે, અને લોકનાટ્ય જેમ નાટ્યકલા અને નાટ્યશાસ્ત્રના વિકાસ અને પ્રચારમાં પ્રેરણારૂપ બનેલું છે, તેમ સાહિત્યકલાને વિશે પણ એમ કહી શકાય. લોકસાહિત્યે શિષ્ટ સાહિત્યને પ્રેર્યું છે તથા એને સામગ્રી પૂરી પાડી છે. લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિનાં વિકાસ અને પરિમાર્જન વિના શિષ્ટ સાહિત્ય તરીકે ઓળખાતા જૂનાસાહિત્યના કેટલાયે પ્રકારોનું સર્જન કલ્પી શકાતું નથી. પછી એવોયે સમય આવે કે જ્યારે લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્યના બે સમાન્તર મહાપ્રવાહો, પરસ્પરના ઝાઝા સંપર્કમાં આવ્યા વિના, વહે અને પુષ્ટ બને. પણ કાલાનુક્રમમાં જોઈએ તો, લોકસાહિત્ય પહેલું અને શિષ્ટ સાહિત્ય પછી. સમસ્ત સુધરેલા જગતના સાહિત્ય ઉપર નજર કરતાં જણાશે કે પ્રાચીનતમ શિષ્ટ સાહિત્યમાં તે તે દેશના લોકસાહિત્યનો અર્થાત્ પરંપરાગત પુરાણકથાઓ, અનુશ્રુતિઓ, વીરગાથાઓ, ધર્મકથાઓ, દૃષ્ટાંતકથાઓ, લોકકથાઓ, ગીતકથાઓ, બાળવાર્તા આદિનો સંગ્રહ અને સંચય થયો છે. આપણા દેશમાં રામાયણ' અને મહાભારત’ તથા પશ્ચિમમાં ‘ઇલિયડ’ અને ‘ઓડિસી' આ વાતનાં સબળ ઉદાહરણરૂપ છે.
બહુજનસમાજમાં ઉદ્ભવેલી ભારતીય લોકવાર્તાઓ વિવિધ પ્રકારનાં રૂપાન્તરો પામી સંસ્કૃત અને પ્રાકૃત જેવી પ્રશિષ્ટ ભાષાઓમાં ગઈ અને ત્યાંથી પાછી નવ્ય ભારતીય ભાષાઓનાં જૂનાં સ્વરૂપોમાં સાહિત્યિક રૂપ ધારણ કરીને આવી. બીજી બાજુ એ જ વાર્તાઓનાં વિવિધ રૂપાન્તરો લોકમુખે તો પ્રચલિત રહ્યાં.
ભારતીય સાહિત્યમાં, ઈ.ની પહેલી સદી આસપાસ થઈ ગયેલા ગુણાત્મ્ય કવિની પૈશાચી પ્રાકૃતમાં રચાયેલી લુપ્ત ‘બૃહત્કથા’ કેવળ આનંદલક્ષી સાંસારિક વાર્તાઓનો