________________
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
એક-બે પ્રકાર હતા. વસ્તુ, વિદારી, વિસ્તારિતક, દ્વિપથક અને ગીતિકા વડે બનેલાં સંકુલ એકમો વડે પણ અમુક પ્રકારના રાસા રચાતા.
આ ઉપરાંત ધવલ, મંગલ, ઉત્સાહ, હરિયાળી, ફૂલડાં, ઝંબટક જેવા લૌકિક ગીતપ્રકારો પણ હતા, અને ગેયતાપ્રધાન તથા નૃત્યપ્રધાન ઉપરૂપકોમાં પણ અપભ્રંશનો ઉપયોગ થતો.
૭૬
અપભ્રંશ છંદો (અને પરિણામે પ્રબંધો) પાઠ્ય હોવા કરતાં વધુ તો ગેય હતા. વળી તેમાં વચ્ચેવચ્ચે અમુક અંશ શાસ્ત્રીય રાગમાં પણ રજૂ કરાતો. રાસાબંધના અમુક પ્રકાર તો નૃત્ત સાથે તાલબદ્ધ રીતે રજૂ કરવા માટે જ હતા.
પ્રાચીન ગુજરાતીને અપભ્રંશનાં આ સાહિત્યસ્વરૂપો, છંદો, રચનાશૈલી અને વર્ણનપરિપાટીનો સમૃદ્ધ વારસો મળેલો છે. ગુજરાતી આખ્યાનકાવ્યને અમુક અંશે સંધિબંધનો વારસો મળ્યો છે. અવધી ભાષાના પ્રેમાખ્યાનક કાવ્ય (જાયસીનું ‘પદમાવત’, મુલ્લાં દાઉદકૃત ‘ચંદાયન’ વગેરે) કે તુલસીના ‘રામચિરતમાનસ'માં વ્યક્ત થતી રચનાપરંપરા સંધિબંધની જેટલી નિકટ છે તેટલી નિકટ ગુજરાતી આખ્યાનશૈલી નથી એ ખરું, પણ આખ્યાનનું કડવાબદ્ધ સ્વરૂપ, અંતે ઊથલો અને આરંભે મુખડું તથા પૌરાણિક અને કથાપ્રધાન વિષય માટે તેનો વિનિયોગ વગેરે લક્ષણો સંધિબંધનો જ વારસો છે. તે જ પ્રમાણે પ્રાચીન ગુજરાતી રાસાઓમાં અપભ્રંશના એક રાસાપ્રકારનું અનુવર્તન જણાય છે. પાદાકુલ ચોપાઈ અને લઘુ ચોપાઈ (એટલે કે અપભ્રંશના વદનક અને પારણક), દોહા, રાસા, વસ્તુ, રોળા, ઉલ્લાલ, દુમિલા, મદનાવતાર, બીજાં કેટલાંક આંતરસમ અને અર્ધસમ માત્રાવૃત્તો તથા ત્રિપદીઓ, પંચપદીઓ અને ષટ્પદીઓ વગેરે પ્રાચીન ગુજરાતી સાહિત્યના અત્યંત માનીતા છંદો છે. પહેલાં કરતાં દોહાની લોકપ્રિયતા વધી છે. હિરગીત, ઝૂલણા વગે૨ે નવાનવા છંદો પ્રચારમાં આવે છે અને પૂર્વપ્રચલિત છંદોના વિનિયોગ પરત્વે પણ કેટલાંક નવાં વલણો વિકસે છે. લૌકિક કથા માટે કથનના માધ્યમ તરીકે ચોપાઈ, દોહા કે બંનેનું મિશ્રણ કામમાં લેવાય છે. આખ્યાનો માટે કેટલીક ૧૫+૧૩, ૧૫+૧૧ જેવી આંતરસમા ચતુષ્પદીઓ, પણ મુખ્યત્વે તો અપભ્રંશ છંદોમાંથી બનેલી વિવિધ ગેય દેશીઓ વપરાય છે, અને તે સાથે શાસ્ત્રીય રાગો અને લૌકિક ગીતોના ઢાળો પણ ઉપયોગમાં લેવાય છે.
આટલા ઉ૫૨થી અપભ્રંશ સાહિત્ય સાથે પ્રાચીન ગુજરાતી સાહિત્યનો જે અત્યંત ગાઢ સંબંધ રહેલો છે તેનો કાંઈક ખ્યાલ આવશે.
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે જેમજેમ અર્વાચીન સમયથી પાછળ જઈએ છીએ તેમતેમ આપણને પ્રતીત થાય છે કે અપભ્રંશ સાહિત્યના સારા એવા પરિચય વિના આપણા જૂના સાહિત્યને સમજવું, માણવું અને મૂલવવું ઘણું જ દુષ્કર