________________
ઉપસંહાર ૮૧
પાંચમી છઠ્ઠી શતાબ્દીથી રાજસ્થાન અને માળવાનો સતત વધ્યે જતો પ્રભાવ વગેરેનો આ દષ્ટિએ ઉપર નિર્દેશ કરેલો છે. આમાં ઉત્તરપશ્ચિમે સિંધનો, ઉત્તરે રાજસ્થાનનો અને પૂર્વ બાજુએ માળવાનો પ્રભાવ મધ્યકાળમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે, અને તેમાં પણ રાજસ્થાનને પહેલો દરજ્જો આપવો ઘટે. | ગુજરાતના સાંસ્કૃતિક જીવનના કેટલાક વાણાતાણાનું જેમ આ ભૌગોલિક અને રાજકીય પરિબળોએ નિર્માણ કર્યું તેમ ધાર્મિક પરિબળોએ તેમાં તેથી પણ અધિક મહત્ત્વનો ફાળો આપ્યો. વૈદિક, જૈન અને બૌદ્ધ પરંપરાએ ઈસવી પહેલી સહસાબ્દી સુધીના આપણા સંસ્કાર અને સાહિત્યનું ઘડતર કર્યું છે. ત્યાં સુધીના સાહિત્યની ભાવના અને સ્વરૂપ સમજવા માટે ઉક્ત ધર્મસંપ્રદાયોનાં આચારવિચાર, માન્યતાઓ અને મૂલ્યોની જાણકારી અનિવાર્ય છે. આઠમી શતાબ્દી પછીથી બૌદ્ધ પરંપરા અહીંથી લુપ્ત થઈ છે, પણ તે પહેલાં, ઈસવી સનના આરંભથી મૈત્રક કાળના અંત સુધીના ગાળામાં, પાલિ અને ઈતર ભાષાઓમાં બૌદ્ધ સાહિત્યનું ખેડાણ ગુજરાતમાં પણ થયેલું. એ જ ગાળામાં તેમજ પછીથી લઈને ઠેઠ આજ સુધી) રાજસ્થાન અને ગુજરાત જૈન ધર્મનાં પણ પ્રમુખ કેન્દ્રો હોવાથી પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં જેનોએ સર્વાધિક પ્રદાન કર્યું છે. તેમણે સંસ્કૃતનો પણ સમાદર કર્યો છે. સિદ્ધસેન, મલ્લવાદી, દેવદ્ધિ, સંઘદાસ, જિનભદ્ર, જિનદાસ, ઉદ્યોતન, જિનસેન, હરિભદ્ર, બપભટ્ટિ, સિદ્ધર્ષિ, હરિષણ, હેમચંદ્ર વગેરે અનેક પ્રકાંડ પંડિતોએ નિર્માણ કરેલ પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ સાહિત્યનું પ્રમાણ ઘણું વિશાળ છે. ગુણવત્તાની દૃષ્ટિએ પણ તેમાં ગૌરવ લઈ શકાય તેવું ઘણું છે અને કથાસાહિત્યના નિર્માણમાં તો ગુજરાતરાજસ્થાનના જેનોનો ફાળો અનન્ય છે. આ કથાસાહિત્યમાં તત્કાલીન સમાજના ઉચ્ચ વર્ગ કરતાં વધુ તો મધ્યમ વર્ગના લોકોના જીવનમાંથી સામગ્રી લેવાઈ છે. તે ગાળાના વ્યાપક જનજીવનનો ચિતાર મેળવવાનું તે ઘણું જ મૂલ્યવાન સાધન છે. વળી ભારત બહાર પરદેશમાં પરંપરાથી પ્રચલિત અનેક લોકકથાઓનાં પ્રાચીન સ્વરૂપો આ પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ કથાઓમાં મળતાં હોવાથી લોકકથાઓના ઐતિહાસિક અને તુલનાત્મક અધ્યયન માટે પણ મધ્યયુગીન કથાસાહિત્યનું અસાધારણ મહત્ત્વ છે.
વૈદિક પરંપરામાં અહીં ખેડાયેલું સંસ્કૃત સાહિત્ય અખિલ ભારતીય પરંપરાઓ અને પ્રણાલિઓ જાળવે છે. દુર્ગ, સ્કંદસ્વામી, ભક્ટિ વગેરે નામો સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં ખ્યાતિ ધરાવે છે. મહાક્ષત્રપ રુદ્રદામાની ગિરનારની પ્રશસ્તિમાં ઈસવી સનની બીજી શતાબ્દી જેટલું વહેલું જે આલંકારિક કાવ્યશૈલીનું ઉચ્ચ સંસ્કૃત ગદ્ય જોવા મળે છે તે આ પ્રદેશમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યના પહેલેથી જ થતા પરિશીલનનો અત્યંત મૂલ્યવાન પુરાવો છે. લલિત સાહિત્ય કરતાં ધાર્મિક અને