________________
૫ સાહિત્ય: પ્રાચીન કાળ (ઈ.૧૧૫૦-૧૪૫૦)
કેશવરામ કા. શાસ્ત્રી
પ્રાસ્તાવિક
ગુજરાતના વિવિધશાખીય ઇતિહાસમાં મૂળરાજ સોલંકીથી શરૂ થતો કાળ ભારતીય ઇતિહાસમાં પણ એક તેજસ્વી સુવર્ણયુગનાં બીજ વાવી રહ્યો હતો. શિલ્પ-સ્થાપત્ય અને સાહિત્ય-રચનાની દૃષ્ટિએ વવાયેલાં બીજ આગળ જતાં સાંસ્કૃતિક દષ્ટિએ પુષ્ટ થઈ વિશાળ વૃક્ષોરૂપ બન્યાં, જેનાં વિવિધ ફળ મૂર્ત સ્વરૂપમાં ગુજરાતનો ભવ્ય વારસો બની રહ્યાં. જ્યારે આપણે એમાં ગુજરાતી સાહિત્યનાં બીજોની વાત કરીએ છીએ ત્યારે પહેલી જ નજરે સિદ્ધરાજ જયસિંહ અને એના અનુગામી કુમારપાળનો રાજ્યકાળ દર્શનપથ ઉપર આવે છે. એ બંને રાજવીઓના સમયમાં એમના દ્વારા ઉચ્ચ કોટિનું માન પામેલા અને અણહિલપુર પાટણને જ પોતાની કર્મભૂમિ તરીકે દીપાવી ગયેલા આચાર્ય હેમચંદ્રસૂરિ(ઈ.૧૧૦૬-૧૧૭૩)એ “સિદ્ધહેમ' નામક સમૃદ્ધ સંસ્કૃત વ્યાકરણનો આઠમો અધ્યાય પ્રાકૃત ભાષાઓના વ્યાકરણ માટે અલગ રાખ્યો અને એમાં જૈન મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એ છ ભાષાઓનું વ્યાકરણ બાંધી આપી એમાંની છઠ્ઠી, “અપભ્રંશ' તરીકે સૂચવેલી, ભાષાનાં તો લોકોને મુખે તરતાં પદ્ય ઉદાહત કરી એ ભાષાના સાહિત્યની વાનગી પણ સાથોસાથ પીરસી આપી. આ અપભ્રંશ ભાષા તે એ સમયની શિષ્ટ ભાષા હતી કે કોઈ એક પ્રાંતીય ભાષા હતી એ બાબતે વિદ્વાનોમાં મતમતાંતર મળે છે, પણ એટલું નિશ્ચિત છે કે એમાં આપવામાં આવેલા વિકલ્પોને કારણે એમાં કોઈ પ્રાંતીય તત્ત્વ પણ ઊપસી આવે છે. આ પ્રાંતીય તત્ત્વ હોય તો એ આચાર્ય હેમચંદ્ર જે પ્રદેશના હતા ત્યાંનું હોઈ શકે. આચાર્યનું જન્મસ્થાન અમદાવાદ જિલ્લાની પશ્ચિમદક્ષિણ સીમાએ આવેલું ધંધુકા, એમની વિહારભૂમિ સૌરાષ્ટ્ર અને તળગુજરાત, અને એમની કર્મભૂમિ સોલંકી રાજવીઓની સારસ્વત મંડલ કિવા ઉત્તર ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ. સોલંકી શાસનની પૂર્વે, ભૌગોલિક દૃષ્ટિએ