________________
૧૮૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
ગચ્છના આચાર્ય હતા. એમની પ્રબંધકોશ કિંવા “ચતુર્વિશતિપ્રબંધ' નામની, પ્રાયઃ સંસ્કૃત ગદ્યમાં, ઐતિહ્યમૂલક પ્રબંધરચના ઈ.૧૩૪૯માં રચાયેલી મળે છે. સંસ્કૃત ભાષાના એક સમર્થ કોટિના એ વિદ્વાન હતા અને મહત્ત્વના સંસ્કૃત ગ્રંથોનું એમનું પ્રદાન જાણીતું છે. નૈયાયિક, વિનોદકથાકાર, ઐતિહાસિક પ્રબંધોના લેખક તત્કાલીન લોકભાષામાં પણ સુમધુર ફાગુ-રચના આપે છે. નેમિનાથની પ્રવ્રજ્યાને કેંદ્રમાં રાખી લખાયેલ ફાગુઓમાં એમનો ફાગુ અત્યારે તો જૂનામાં જૂનો છે. આ ફાગુકાવ્યના નાયક નેમિનાથ, જૈન પુરાણોની દૃષ્ટિએ, એક યાદવ હતા અને દાશાહ તરીકે જાણીતા યાદવકુલના વસુદેવ યાદવના સૌથી મોટાભાઈ સમુદ્રવિજયના એમની રાણી શિવાદેવીથી થયેલા પુત્ર હતા. નેમિનાથ લગ્ન કરવા ઈચ્છતા નહોતા, પરંતુ એમના કાકાના પુત્ર અને વયમાં મોટા શ્રીકૃષ્ણની રાણીઓએ એમને વસંતખેલમાં સામેલ કરી રાજા ઉગ્રસેનની કુંવારી રાજિમતી કિંવા રાજુલ સાથે લગ્ન કરવા મનાવ્યા હતા.
જ્યારે નેમિનાથની જાન દ્વારકામાંથી પસાર થઈ રહી હતી ત્યારે જાનૈયાઓને જમાડવા માટે પોતાના વાડામાં બાંધી રાખેલાં પશુ એમની નજરમાં આવ્યાં. આ પ્રકારની થનારી હિંસાનો ખ્યાલ આવતાં જ એમને પ્રબલ વૈરાગ્ય થયો અને લગ્ન કર્યા વિના જ પાછા વળી ગયા. એમનો રેવતકગિરિ ઉપર દીક્ષા મહોત્સવ થયો અને ઊર્જયંત(આજના ગિરનાર) પર્વત ઉપર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. રાજિમતીએ પણ પતિ તરીકે માનેલા નેમિનાથને અનુસરી પ્રવજ્યા લીધી.
આ વસ્તુની આસપાસ અનેક જૈન સાહિત્યકારોએ વિવિધ સાહિત્યપ્રકારોમાં રચનાઓ કરી છે. પ્રસંગ નિર્વેદમાં અંત પામે છે છતાં લગ્નનું નિમિત્ત હોઈ શૃંગારરસને સહારે પોતપોતાની રચનાઓને બહલાવવાનો પ્રયત્ન પણ થયો છે. રાજશેખરસૂરિની આ ફાગુરચના પણ કાવ્યની દૃષ્ટિએ હૃદયંગમ કોટિની રચના થઈ છે. કવિએ યથાશક્તિ શૃંગારરસની સાથોસાથ ક્વચિત્ અલંકારોથી પણ કવિતાને મઢી લીધી છે. લગ્ન કરવા કેવી રીતે મનાવ્યા એનો ખ્યાલ આપતાં કવિ જણાવે છે કે –
હરિહલહર-સઉં નેમિપહુ ખેલાઈ માસ વસંતો હાવિ ભાવિ ભિજ્જઈ નહીય ભામિણિ માહિ ભમતો ||૪|| અહ ખેલઈ ખોખલિય નીરિ પણ મણિ નમાવી હરિ-અંતેરિ માહિ રમઈ પુણિ નાહ ન રાચા નયણ-સલૂણઉ લડસડંતુ જઉ વીરિહિં આવી
માઈ બાપિ બંધવિહિ માંડ વીવાહ મનાવિલ /પા૫૮૯ (શ્રીકૃષ્ણ અને હળધર બલદેવની સાથે નેમિ પ્રભુ વસંતમાસની કીડા કરે છે, પરંતુ સ્ત્રીઓમાં ભમતા હોવા છતાં સ્ત્રીઓના હાવભાવથી ભીંજાતા નથી. વાવડીઓમાં સ્ત્રીઓ સાથે ખેલે છે, પણ કામદેવનું મર્દન કરે છે.