________________
સાહિત્ય: પ્રાચીન બળ ૯૭
વચ્છની વાર્તા અથવા હંસાવલીની વાર્તા અને સદયવત્સકથા, આ બે કથાઓમાં કોઈ પણ પ્રકારના સામાજિક વિશિષ્ટ બંધનમાં જકડાયેલાં ન હોય તેવાં પાત્રોનું ચિત્રણ મળે છે. સોલંકી-વાઘેલાકાળના અંત પછી મુસ્લિમ શાસનકાળમાં પ્રજા “બિચારી' થતી જતી હતી. પૂર્વકાળમાં જ ચારિત્ર્યની ભાવના પ્રબળ હતી અને મુસ્લિમ કાળમાં એ ભાવના વધુ તીવ્ર બની હતી; સ્ત્રી-પુરુષોના મુકત વિચરણનો એ કાળ જ ન હતો, એવા વાતાવરણનું પ્રભુત્વ હતું ત્યાં આવી મુક્ત વિચરણવાળાં સ્ત્રીપુરુષોનાં ચિત્રણ આપનારી કથાઓ પાછળ તત્કાલીન બળ હતું જ નહિ. એ જ કારણ છે કે માત્ર “રાસયુગ' માં જ નહિ, પરંતુ એ પછીના “આદિભક્તિયુગ' આખ્યાનયુગ” અને “ઉત્તર ભક્તિયુગમાં લૌકિક કથાઓની રચનાઓ તદ્દન સ્વલ્પ સંખ્યામાં થઈ છે. આવી કથાઓમાં તત્કાલીન સમાજનું ચિત્રણ સર્વથા નથી, બૃહત્કથા' અને એની પડછે રચાયેલી “કથાસરિત્સાગર’ તેમજ “દશકુમારચરિત' જેવી કૃતિઓમાં જે પ્રકારનો સમાજ ચિતરાયેલો છે તેવા મુક્ત વિચરણવાળા સમાજનું ચિત્રણ જોવા મળે છે. આવો મુકત સમાજ ભારતવર્ષના ઈતિહાસમાં કદાચ યવનોશકોહૂણો આ દેશમાં આવ્યા તે સમયે વિકસ્યો હોય, જેણે કાવ્યશાસ્ત્રોના ગ્રંથોમાં પરકીયાના શૃંગારને પોષણ આપ્યું, પરંતુ સમાજનો એ સાચો આદર્શ નહોતો જ એ બાણની “કાદંબરી' વાંચતાં અનુભવાય છે. બાણે મુક્ત વિચરણમાં માનતી પૌરાણિક ગંધર્વોના પ્રકારની જાતિમાં ઉત્પન્ન થયેલી કહી મહાશ્વેતા અને કાદંબરીને આદર્શચરિતવાળી ભારતીય પતિવ્રતાનાં ઉત્તમ લક્ષણ ધરાવતી લલનાઓનો દરજ્જો આપ્યો છે. ગુજરાતી લૌકિક કથાઓના સાહિત્યકારો પાસે કાદંબરી'નો આદર્શ હોવા છતાં આવાં મુક્ત વિચરણવાળાં પાત્રોને કેન્દ્રમાં રાખી કથાઓ લખી હોય તો એ સમાજના કોઈ નાના વર્ગના સંતોષ માટે સંભવે છે, વ્યાપક સમાજનો એના તરફ સમાદર નહોતો. એ જ કારણે આવી રચનાઓ વધુ સંખ્યામાં રચાઈ નહિ. જૈન સાહિત્યકારોએ તો આવી કથાઓમાં પણ ધાર્મિક સદાચારને પ્રાથમ્ય આપ્યું જ. આ લૌકિક કથાઓ સિવાય તો જૈન હોય કે જૈનેતર હોય, બધા જ પ્રકારના સાહિત્યકારોએ મુસ્લિમ કાળમાં પરાધીન પ્રજાને આશ્વાસન આપી ધર્મમાં પકડી રાખવાને માટે ધર્મચરિતો દ્વારા મહાભારત-રામાયણ તેમજ અન્ય પુરાણગ્રંથોમાંનાં કથાનકોથી મધ્ય અને ઉત્તર કાળને ભરી દીધો. શુદ્ધ ગુજરાતી કાળ ચૌદમી સદીના અંતભાગમાં શરૂ થાય છે. જેમાં હવે ‘ઉત્તરઅપભ્રંશ' કાળમાં પ્રાંતીયતા તરફ ઢળતી જતી મારવાડીમેવાડી, ટૂંઢાળી, મેવાતી, હાડૌતી, માળવી અને નિમાડી જુદી પડી જાય છે, પોતપોતાના ક્ષેત્રમાં સ્થપાઈ જાય છે, જેમ ગુજરાતી ભાષા ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં સીમિત થઈ જાય છે. આ એ જ ભાષાભૂમિકા છે કે જેને ભાલણે (૧૬મી સદીનો પૂર્વાર્ધ) પોતાની રચનાઓમાં ‘ગુર્જર ભાષા' એવી સંજ્ઞાથી સૂચિત કરી છે.