________________
૯૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યપ્રવૃત્તિ ગુજરાતી ભાષાના કે વધુ પ્રામાણિક રીતે કહીએ તો મારવાડી-મેવાડી વગેરે આ પૂર્વે ગણાવેલી ભગિની ભાષાઓના સાહિત્યના ઉત્થાનમાં બીજરૂપે રહેલી ભાષાભૂમિકાનાં મૂળ આચાર્ય હેમચંદ્રના “સિદ્ધહેમ' વ્યાકરણમાંના અપભ્રંશ વિભાગમાં જોવા મળે છે, એટલે આ એક મથાળની ભાષાભૂમિકાનો આરંભ જ આચાર્ય હેમચંદ્રથી થાય છે. અહીંથી શરૂ થતા યુગની પાસે એની સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષાઓની એક પ્રબળ પ્રણાલી હતી. જ્યારે આપણે આચાર્ય હેમચંદ્રની જ સાહિત્ય-રચનાઓનો ખ્યાલ કરીએ છીએ ત્યારે તરત જ ખ્યાલમાં આવે છે કે કોઈ ભવ્ય વારસો એમની પાસે હતો. ગુજરાતની ભૂમિના આ અગ્રિમ કક્ષાના સાહિત્યકારે સંસ્કૃત સાહિત્યની મોટા ભાગની શાખાઓને ખેડી નાખી હતી; જેવી કે – ૧. વ્યાકરણ : સિદ્ધહેમ શબ્દાનુશાસન', જેમાં ૭ અધ્યાયોમાં કેવળ સંસ્કૃત વ્યાકરણ, જ્યારે છેલ્લા ૮મા અધ્યાયમાં જેને મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એ છ પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ બાંધવામાં આવ્યું. એમાં પણ અપભ્રંશનું વ્યાકરણ આપતાં લોકોમાંથી ઊંચકીને લોકસાહિત્યનું કહી શકાય તેવું મોટા ભાગનું દુહા-સાહિત્ય પણ ઉદાહરણ તરીકે મૂકી આપી ગુજરાત વગેરે પ્રદેશોના લોકસાહિત્યનો પણ પરિચય કરાવી આપ્યો. ૨. કોશ : “અભિધાનચિંતામણિ' (અપૂર્ણ), ૨. “અનેકાર્થસંગ્રહ (અપૂર્ણ), ૩. નિઘંટુશિક્ષા' (વનસ્પતિ-કોશ) અને ૪. દેશીશબ્દસંગ્રહ' કિવા દેશીનામમાતા’ (વૃત્તિ સાથે.) આ છેલ્લા કોશની એ વિશિષ્ટતા છે કે જે શબ્દોનાં મૂળ સંસ્કૃત ભાષામાં મળી શકે એમ નહોતાં જણાયાં અને પ્રાકૃત ભાષાઓમાં વિપુલતાથી પ્રયોજાતા રહ્યા હતા તેવા શબ્દોનો આ પદ્યબદ્ધ સંગ્રહ છે. આવો ઉચ્ચ કોટિનો સંગ્રહ આ પૂર્વે થયો નહોતો અને પછી પણ થયો નથી. ધનપાલની પાઈઅલચ્છીમાલા' તદ્દન નાનો અને સામાન્ય સંગ્રહ છે. ૩. છંદ : છંદોનુશાસન' કે જેમાં સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાં પ્રયુક્ત થયેલા બધા છંદોની ઉદાહરણો સાથે વ્યાખ્યા આપવામાં આવી છે. સિદ્ધહેમ વ્યાકરણના અપભ્રંશ-વિભાગની જેમ અપભ્રંશ ભાષાના છંદોમાં આપેલી અપભ્રંશ ભાષા તત્કાલીન ભાષા-ભૂમિકા અને ભાષાપ્રકાર સમજવાને માટે ખૂબ જ ઉપયોગી છે. ૪. કાવ્યશાસ્ત્ર: “કાવ્યાનુશાસન'માં કાવ્યનાં હેતુ, એનાં પ્રયોજન, લક્ષણો, ગુણ, દોષ, રસ, અલંકાર વગેરેનો, માર્ગદર્શક બની રહે તેવાં ઉદાહરણો સાથે પરિચય આપ્યો છે. આ જ ગ્રંથ ઉપર “અલંકારચૂડામણિ અને વિવેક' એ નામની ટીકાઓ