________________
૧૪૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
રાજા રાજ્ય કરતો હતો. બહારગામના વેપારીઓનો કોઈ નાયક વણજાર સાથે રાજગૃહમાં આવ્યો. એ મોતીઓથી ભરેલો થાળ લઈ રાજાને મળવા ગયો. ભેટ સ્વીકારી રાજાએ કોઈ દુર્લભ વસ્તુ ખરીદવા ઇચ્છા બતાવી ત્યારે રત્નકંબલો બતાવ્યાં, પરંતુ સોદો પત્યો નહિ. પેલો વણજારો ચિંતામાં પડ્યો કે રાજા જ જો આ ખરીદી શકે એમ નથી તો બીજું તો કોણ ખરીદવાનું! રાત્રે એના સ્વપ્નમાં કોઈ શ્વેતાંબર આચાર્યનાં દર્શન થયાં, જેણે કહ્યું કે તું શાલિભદ્રને ત્યાં જઈને બતાવ. સવારે શાલિભદ્રને ત્યાં ૧૬ રત્નકંબલોનો સોદો પતી ગયો, સુભદ્રામાતાએ એ કિંમતી રત્નકંબલો ખરીદી લીધાં. શ્રેણિક રાજાની રાણીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે રૂસણું લીધું. રાજાએ કહ્યું કે હાથી ઘોડા કે એવું કાંઈ હોય તે કામ આવે, આ રત્નકંબલ શા કામમાં આવે! રાજાએ પેલા વણજારાની પાસે મંત્રી અભયકુમારને મોકલ્યો ત્યારે વણજારાએ કહ્યું કે રત્નકંબલ તો શાલિભદ્રને ત્યાં પગલૂછણાં કરવાને માટે અપાઈ ગયાં છે. મંત્રીએ આ વાત રાજાને કરી ત્યારે રાજાને આનંદ થયો કે મારા નગરમાં આવા ધનાઢ્યો વસે છે. અને શાલિભદ્રનાં વખાણ કર્યાં. રાજાએ વણજારાને બોલાવી હ્યું કે એક રત્નકંબલ લાવી આપે તો એના સવાલાખ રૂપિયા આપું. એ પછી રાજા પોતાના મંત્રીની સાથે શાલિભદ્રને ત્યાં ગયો. ઘર જોઈ આશ્ચર્ય પામ્યો. રાજાને આવેલો જાણી માતા સુભદ્રાએ પુત્રને ખબર આપ્યા. શાલિભદ્ર અને રાજા મળ્યા. રાજાએ અપાર સમૃદ્ધિ જોઈ. રાજા દેરાસરમાં ગયો. પછી ભોજનસમયે શાલિભદ્રની બત્રીસે સ્ત્રીઓને પીરસતી જોઈ. રાજાને વાજતેગાજતે વિદાય આપી. શાલિભદ્રનું હ્રદય પ્રથમથી જ વિરક્ત હતું અને આ પ્રસંગ પછી વૈરાગ્ય તરફ એની વૃત્તિ વધવા લાગી. એણે દરરોજ એકએક પત્નીનો ત્યાગ કરવાનો આરંભ કર્યો. એ પછી પૂરો વૈરાગ્ય લઈ વિહાર કરવા ચાલ્યો જાય છે. ફરી રાજગૃહમાં આવે છે ત્યારે માતાને ત્યાં વોરવા જાય છે. શાલિભદ્ર અત્યારે કોઈને ઓળખતો નથી. ત્યાંથી એ વૈભારગિરિ ઉપર તપ કરવા ચાલ્યો જાય છે. માતા અને બત્રીસે પત્ની ત્યાં જાય છે; કાકલૂદી કરે છે. વિરક્ત શાલિભદ્ર ચોતરફ તદ્દન ઉપેક્ષા સેવે છે. આ પદ્યગ્રંથ ઉચ્ચ પ્રકારની કોઈ કવિતા આપતો નથી, આમ છતાં સામાજિક ચિત્ર ખડું કરવા શક્તિમાન છે જ. શાલિભદ્રનાં બત્રીસ કન્યાઓ સાથેનાં લગ્નનો પ્રસંગ ધ્યાન ખેંચે છે :
ઢોલ ઢમક્કઈં એકં નાદિ, ગીત ધવલ ગાઈં સવિ વાદિ વાજઈ માદલ ભૂંગલ તાલ, રહી બત્રીસ લેઇ વરમાલા રા ગિ તુરંગમ વર અવસાર, કાને કુંડલ મોતી-હાર। મસ્તકિ મુકટ સોવનમઇ ઘડિઉં, માણિક મોતી-હારે જાડઉ ॥૨૪॥