________________
સાહિત્યિક પૂર્વપરંપચ ૭૯
ઉપયોગ ઉત્તરકાલીન અપભ્રંશથી જ શરૂ થઈ ગયો હતો. સ્વયંભૂના અપભ્રંશ પૌરાણિક કાવ્ય પઉમચરિયરમાં તેમજ તે પછીનાં કેટલાંક સંધિબંધ અપભ્રંશ કાવ્યોમાં કડવક કયા રાગમાં ગાવું તેના નિર્દેશ ક્વચિત્ આપેલા છે. જયદેવના ગીતગોવિંદમાં લૌકિક રચનાઓની પરિસ્થિતિનું પ્રતિબિંબ પડેલું જોઈ શકાય છે. આગળ જતાં ગુજરાતી સાહિત્યમાં ગેય દેશીઓ સાર્વત્રિક વર્ચસ્વ પ્રાપ્ત કરે છે.
પદાવલી અને શૈલી પર સંસ્કૃતનો પ્રભાવ હોવો સ્વાભાવિક છે, પણ મુખ્યત્વે તો તેમાં પ્રાચીન ગુજરાતી સાહિત્ય અપભ્રંશની પ્રણાલી જાળવે છે. અપભ્રંશનાં વિશિષ્ટ શબ્દો અને શબ્દગુચ્છો, રૂઢિપ્રયોગો, લઢણો, કહેવતો, ઉપમાનો વગેરે એમ ને એમ કે જૂજ ફેરફાર સાથે શતાબ્દીઓ સુધી ગુજરાતી સાહિત્યમાં મળ્યાં કરે છે. જૂની ગુજરાતીના અનેક ભાષાપ્રયોગોની અભિવ્યક્તિની રીતિઓની સ્પષ્ટતા અપભ્રંશને આધારે જ મેળવી શકાય છે. જ્યારે અર્વાચીન ગુજરાતીમાં તેમનું નામનિશાન પણ જળવાયેલું નથી. અપભ્રંશ તત્ત્વ ઘટતુંઘટતું પણ ઠેઠ અઢારમી શતાબ્દી સુધી જૂની ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ચાલુ રહે છે. અપભ્રંશ ભાષા અને સાહિત્યની સારી એવી જાણ વિનાના જૂની ગુજરાતી સાહિત્યનાં સમજણ, રસાસ્વાદ અને મૂલ્યાંકન તદ્દન ઉપરછલ્લાં, અધૂરાં કે એકાંગી જ રહેવાનાં.
સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની સાથે જૂની ગુજરાતીના સાહિત્યનો સંબંધ ઘણે અંશે બિંબ સાથે પ્રતિબિંબના, નદી સાથે કુલ્યાના કે ઉપજીવ્ય સાથે ઉપજીવીના સંબંધ જેવો છે. સમગ્રપણે વ્યક્તિત્વમાં પોતાપણું હોવા છતાં દૃષ્ટિ અને ભાવના, વાતાવરણ અને વિષયનિરૂપણ, ભાષાપ્રયોગ, શૈલી અને રચનારીતિ દરેક પાસા કે અંગ પર પ્રશિષ્ટ રચનાઓનો પ્રભાવ છવાયેલો કે તેમાં અનુસ્મૃત રહેલો જોઈ શકાય છે.