________________
સાહિત્યિક પૂર્વપરંપરા ૭૭
છે, તો બીજે પક્ષે પ્રાચીન ગુજરાતી સાહિત્ય પણ અપભ્રંશ સાહિત્યને સમજવામાં ઘણું સહાયક બને છે.
અપભ્રંશોત્તર કાળનું નવોદિત ભાષાસાહિત્ય સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશથી અનભિજ્ઞ (એટલે કે નિરક્ષર) એવા સામાન્ય લોકોને માટે હતું. કંઠસ્થ ગીતો, કથાઓ આદિ પરંપરાગત લોકસાહિત્યથી આ સાહિત્યને ભિન્ન ગણવું પડશે. મુખ્ય ઉદ્દેશ શુદ્ધ સાહિત્યના નહીં, પણ ઉપદેશાત્મક સાહિત્યના નિર્માણનો હતો – સંસ્કૃત-પ્રાકૃતમાં રહેલું કેટલુંક ધાર્મિક સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનો હતો. પણ શ્રોતાઓની મર્યાદિત સમજ અને સંસ્કારભૂમિકાની તેને મર્યાદા હતી. મોટેભાગે તો તે માન્ય, પ્રમાણભૂત કે લોકપ્રિય મૂળ કૃતિઓના અનુવાદ (સીધો, આંશિક, સંક્ષિપ્ત કે વિસ્તારિત) અથવા નવવિધાનના રૂપમાં હતું. વિષયો પૌરાણિક, ચરિતાત્મક કે ઉપદેશાત્મક (ધાર્મિક અગર તો સર્વસામાન્ય) રહેતા. સ્વરૂપ પરત્વે તેમાં અપભ્રંશની પરંપરા જ આગળ ચાલી, પણ કેવળ લોકલક્ષી હોવાથી મોટે ભાગે તો તે લોકસાહિત્યનાં સ્વરૂપો અને રચનાશૈલીનો પણ વધુ ને વધુ સમાદર કરતું થયું.
સંસ્કૃત અને પ્રાકૃતનો પ્રભાવ મુખ્યત્વે તો વિષયસામગ્રી પૂરતો હતો. સંસ્કૃતપ્રાકૃત કૃતિનો સીધો અનુવાદ રૂપાંતર કે સંક્ષેપ ન હોય ત્યારે પણ જૂની ગુજરાતી કૃતિઓની વસ્તુસામગ્રીના મૂળ સ્રોત તરીકે પ્રાચીન કૃતિઓ જ હોય છે. ખાસ કરીને કથાસાહિત્ય પરત્વે તો આપણું પ્રાચીન સાહિત્ય સંસ્કૃતના અને વિશેષે તો પ્રાકૃતના પૌરાણિક તથા કથાસાહિત્યના વિપુલ ભંડારને છૂટે હાથે લૂંટે છે. અનેક કથાઘટકો ને કથાપ્રકૃતિઓનાં મૂળ, વિકાસ અને વિસ્તરણની તપાસ પ્રાચીન શિષ્ટસાહિત્યને આધારે જ થઈ શકે તેમ છે. સંસ્કૃતપ્રાકૃત કૃતિની વસ્તુસામગ્રી જૂની ગુજરાતી રચનામાં નવા ઢાળામાં ઢાળવામાં આવી છે. સ્વરૂપ પૂરતો તો માત્ર “દશકુમારચરિત' કે “કાદંબરી' જેવી ગદ્યકથાનો પ્રભાવ કદાચ પૃથ્વીચંદ્રચરિત' જેવી આલંકારિક પ્રાસબદ્ધ ગદ્યની (“બોલી કે “વચનિકા' શૈલીની) રચનાઓમાં જોઈ શકાય. છંદોમાં સંસ્કૃત વૃત્તોનો વિનિયોગ જૂની ગુજરાતીમાં થોડાથોડા પ્રમાણમાં પણ લગાતાર થતો રહ્યો છે. સાહિત્ય અનુવાદપ્રધાન હોઈને તેની પદાવલિ ઉપર સંસ્કૃતનો (તથા જૈન કૃતિઓમાં પ્રાકૃત અપભ્રંશનો) સારો એવો પ્રભાવ પડ્યા વિના ન જ રહે.
જૂની ગુજરાતીના સાહિત્ય ઉપર સંસ્કૃતપ્રાકૃત સાહિત્યના પ્રભાવની વાત કરતાં બીજી એક હકીકત પણ લક્ષમાં લેવાની છે. પ્રાચીન તેમજ મધ્યકાલીન ગુજરાતી કૃતિઓના ઘણાખરા કર્તાઓ સંસ્કૃતપ્રાકૃતના પંડિત કે જાણકાર હતા. (આમાં માત્ર કેટલાક સંતો, ભજનિકો અને ઉત્તરકાલીન લેખકોનો અપવાદ હતો.) તેમાંના અનેક જણે સ્વયં સંસ્કૃત કે પ્રાકૃતમાં ગ્રંથો રચેલા હતા. આ હકીકતનું પણ તેમની ગુજરાતી કૃતિઓનાં વિધાન, શૈલી, પદાવલિ આદિને સમજવા માટે ઘણું મહત્ત્વ છે. આવા