________________
ઉપસંહાર
હરિવલ્લભ ભાયાણી
પ્રત્યેક પ્રદેશની ભૂગોળ તે તે પ્રદેશના લોકોના આર્થિક જીવનને ઘડનારું એક પાયાનું બળ છે, અને તે જ પ્રમાણે તેમની આર્થિક તથા રાજકીય પરિસ્થિતિ તેમના સાંસ્કૃતિક જીવનમાં નિર્ણાયક બળનું કામ કરે છે. એટલે, સાહિત્ય સાંસ્કૃતિક જીવનનું એક અંગ હોઈને, કોઈપણ સાહિત્યના કાલક્રમિક વૃત્તાંતને તેના ભૌગોલિક, આર્થિક, રાજકીય તથા સાંસ્કૃતિક સંદર્ભમાં રાખીને આપણે જોઈએ તો જ તેનું વિશિષ્ટ સ્વરૂપ, વિકાસ અને ચડતી પડતીને આપણે સમગ્રતાથી અને યોગ્ય રીતે સમજી શકીએ. આ દૃષ્ટિએ આપણે પહેલા વિભાગમાં પ્રથમ ગુજરાતનું – એટલે કે ગુજરાતના લોકોનું ઘડતર કરનારાં ઐતિહાસિક પરિબળોનો પરિચય કર્યો.
આપણે જોયું કે ગુજરાતના રાજકીય સીમાડા સતત ફરતા રહ્યા છે. દક્ષિણ બાજુ લાટપ્રદેશનો ઘણીવાર અન્ય રાજ્યમાં સમાવેશ થયેલો છે, તો સામે પક્ષે કેટલીક વાર ગુજરાત ખાનદેશ કે મુંબઈ સુધી પણ વિસ્તર્યું છે. ઉત્તર અને પૂર્વ બાજુ પશ્ચિમ રાજસ્થાનના અને માળવાના પ્રદેશોનો પણ કેટલાંક શાસનો નીચે ગુજરાતમાં સમાવેશ થયેલો, બીજી બાજુ પશ્ચિમ રાજસ્થાનના કોઈ કેન્દ્ર કે ઉજ્જૈનમાંથી શાસન કરતી સત્તા નીચે ગુજરાતનો કેટલોક ભાગ રહેલો. સૌરાષ્ટ્ર, લાટ અને ઉત્તર ગુજરાત ઉપર એક સાર્વભૌમ સત્તા હોય તેવી પરિસ્થિતિ ઘણા પાછળના સમયમાં સ્થપાઈ છે. આનાં પરિણામો સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણાં મહત્ત્વનાં છે. એક જ શાસન નીચેના પડોશી પ્રદેશોના લોકો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનની તકો વધે છે.
જેમ સાગરકાંઠો અને વેપારવણજનો વ્યવસાય પરાપૂર્વથી અહીંના લોકો માટે બીજી સંસ્કૃતિની અસરોના વાહક રહ્યા છે તેમ રાજ્યશાસનને લગતી પરિસ્થિતિ પણ સમયે સમયે નવનવા પ્રભાવનું કારણ બની છે. બેત્રિઅન ગ્રીકો અને ક્ષત્રપોનો પરદેશી પ્રભાવ, મૌર્યોના અને ગુપ્તોના કાળમાં મગધનો પ્રભાવ, તે પછીના દક્ષિણના સૈકૂટકો, કટચુરિઓ, ચાલુક્યો અને રાષ્ટ્રકૂટોનો દક્ષિણ ગુજરાત પર પ્રભાવ,