________________
૭૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
ઈ. ૧000 લગભગ ભારતના ઇતિહાસમાં એક ધરમૂળનો વળાંક આવ્યો હોવાનું પ્રતીત થાય છે. ઐતિહાસિક બળોએ તે સમયે સર્જેલી પરિસ્થિતિને પરિણામે આપણે એક જબરું સાંસ્કૃતિક પરિવર્તન આરંભાતું અને વેગપૂર્વક સર્વત્ર પ્રસરતું નિહાળીએ છીએ. એ યુગપલટાનું એક અત્યંત મહત્ત્વનું પાસું કે પરિણામ તે પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યોનો ઉદ્ગમ. અત્યારસુધીની સાહિત્યભાષાઓ – સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – સમગ્ર ભારતની સાહિત્યભાષાઓ હતી. ભારતના કોઈ પણ પ્રદેશનો કવિ કે પંડિત એ ભાષાઓમાં સાહિત્યરચના કરતો અને તે સાહિત્ય કોઈ એક જ પ્રદેશના નહીં, પણ સમગ્ર ભારતના અધિકારી શ્રોતા કે પાઠકને માટે હતું. પણ ઈ. ૧૦૦૦ લગભગ એ પરિસ્થિતિ અમુક અંશે મૂળભૂત રીતે પલટાવા લાગી. વ્યાપક સાહિત્યભાષાઓ ઉપરાંત આગવાં સાહિત્યોનો ઉદય થયો. આનાં કારણોમાં (૧) અખિલ ભારતીય સંપર્કો ઓછા થયા હોય અને પ્રાદેશિક સંકોચક બળો વધવા લાગ્યાં હોય; (૨) લોકવ્યવહારની બોલીઓ અને સાહિત્યભાષાઓ વચ્ચેનું અંતર એટલું વધી ગયું હોય કે લોકસમૂહને માટે પરંપરાગત સાહિત્યો વધુ ને વધુ દુર્ગમ બનતાં જતાં હોય; (૩) ઉચ્ચતર સાંસ્કૃતિક જીવન અત્યંત સાંકડા, ઉપરના વર્ગ પૂરતું મર્યાદિત રહેતું તેને બદલે વિશાળ વર્ગને તેમાં ભાગીદાર બનાવવાની અનિવાર્યતા લાગી હોય – આવાં કે અન્ય કોઈ કારણો હોય, પણ હવે પોતપોતાના પ્રદેશના લોકો સુધી પહોંચે તેવી ભાષામાં પણ સાહિત્ય રચવાનું આવશ્યક બન્યું.
આગળના સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યથી આ નવું સાહિત્ય જે એક બાબતમાં જુદું પડે છે તે એ છે કે આ સાહિત્ય તે તે પ્રાદેશિક ભાષાવિસ્તારના લોકોને માટે જ હતું; પ્રાદેશિક ભાષાઓની વચ્ચે સારી એવી ભિન્નતાને કારણે એક પ્રદેશનું સાહિત્ય બીજા પ્રદેશને સમજવું પણ અત્યંત મુશ્કેલ હતું. આમ દસમી શતાબ્દી આસપાસ ભારતીય સાહિત્યના ઇતિહાસમાં, જે વ્યાપકપણે અખિલ ભારતીય ન હોય, પણ સ્થાનિક હોય તેવાં સાહિત્યોનો – પ્રાદેશિક સાહિત્યોનો ઉદ્દભવ થયો.
બદલાયેલા પરિવેશને અને જીવનસંદર્ભને કારણે અભિવ્યક્તિ, સ્વરૂપ અને સામગ્રીની દૃષ્ટિએ નવા સાહિત્યે આગળના સાહિત્યથી કેટલીક બાબતોમાં જુદે જ માર્ગે ગતિ કરી. તેની ચર્ચા આગળ આવશે. તે ઉપરાંત સાહિત્યના માધ્યમ તરીકે પ્રયોજાવાને કારણે લોકભાષાઓ પણ જુદી રીતે ઘડાવા લાગી, અને તેમના ભાવિ પર દૂરગામી અસરો પડી. મહાવીર અને બુદ્ધથી સ્થપાયેલી સાહિત્યના લૌકિકીકરણની (democratizationની પરંપરા લુપ્ત થયા પછી, મધ્ય કાળમાં તાંત્રિક અને સિદ્ધસંત સંપ્રદાયોમાં તેવું વલણ ફરી જોવા મળે છે, પણ તે પછીનું દસમી શતાબ્દીના અરસામાં પ્રગટેલું નૂતન વલણ તેની વ્યાપકતા અને પ્રબળતામાં આગળનાં વલણોથી તદ્દન જુદું પડી આવે છે. અને તેમાં કેવળ ધાર્મિક જ નહીં,