________________
૪ સાહિત્યિક પૂર્વપરંપા
હરિવલ્લભ ભાયાણી
(૧) પ્રાદેશિક સાહિત્યનો ઉદય
ભારતની સંસ્કૃતોત્થ ભાષાઓના સાહિત્યનો ઇતિહાસ જોનારને તેની એક અત્યંત લાક્ષણિક ઘટના તરત જ ધ્યાનમાં આવશે. જ્યારેજ્યારે સાહિત્યભાષા અને લોકભાષા વચ્ચે સારું એવું અંતર પડી ગયું છે, ત્યારેત્યારે લોકભાષાનાં તત્ત્વોવાળી નવી સાહિત્યભાષા ઉદ્ભવી છે. વૈદિક ભાષા અને શિષ્ટ સંસ્કૃત, સંસ્કૃત અને પ્રાકૃત, પ્રાકૃત અને અપભ્રંશ, અપભ્રંશ અને પ્રાદેશિક ભાષાઓ, તે તે પ્રાદેશિક ભાષાનું ‘ઉચ્ચ’ કે ‘સાધુ’ સ્વરૂપ અને ‘આમ’ કે ‘ચલિત’ સ્વરૂપ આ સૌનો સાહિત્યભાષા તરીકે થયેલો વિકાસ ઉક્ત ઘટનાનો સાક્ષી છે. આમાં ઘણી વાર પહેલો ધક્કો ધાર્મિક પરિબળો તરફથી મળતો, પણ નાટ્ય જેવાં દૃશ્ય સ્વરૂપોમાં લૌકિક પરિબળો પણ પ્રભાવક બનતાં.
-
સાહિત્યના ઇતિહાસની આ લાક્ષણિકતાની સાથે બીજી પણ એક એટલા જ મહત્ત્વની લાક્ષણિકતા આપણે નોંધવી જોઈએ. નૂતન સાહિત્યનો અને સાહિત્યભાષાનો ઉદય થવાને પરિણામે પૂર્વપ્રચલિત સાહિત્યભાષાનો અસ્ત નહોતો થતો, તે પણ સાથોસાથ વપરાતી રહેતી. પ્રાકૃતની સાથે સંસ્કૃત, અપભ્રંશની સાથોસાથ સંસ્કૃત અને પ્રાકૃત અને પ્રાચીન ભાષાસાહિત્યની સાથોસાથ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યનું ખેડાણ થતું રહેલું. માત્ર અર્વાચીન સમયનો આમાં અપવાદ કરવો પડશે. અર્વાચીન ભાષાસાહિત્યના ઉદય સાથે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનો સાહિત્યભાષાઓ લેખે અસ્ત થયો.
સાહિત્યિક માધ્યમોના વિકાસની આ એક લસરકે દોરેલી આછી રૂપરેખાને, વિકાસક્રમને વધુ ધ્યાનથી તપાસતાં અનેક રીતે મઠારવી પડે એ તો દેખીતું છે. ખાસ કરીને અપભ્રંશની પછી જે સંજોગોમાં પ્રાદેશિક ભાષાઓને સાહિત્યિક મોભો પ્રાપ્ત થયો છે, તે સંજોગો અમુક રીતે નિરાળા અને આગવા હોવાનું તદ્દન ઉઘાડું છે.