________________
૪૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
પ્રસરણશીલ હોય છે અને એવાં સ્થળો પ્રાદેશિક બોલીકેંદ્રોનો મોભો પ્રાપ્ત કરે છે. ઐતિહાસિક કાળ દરમ્યાન ગુજરાતનાં આવાં મુખ્ય કેંદ્રોમાં ઉત્તર ગુજરાતમાં, રાજસ્થાનનું ભિલ્લમાલ ભાંગતાં અણહિલ્લપુર પાટણ (ચૌલુક્યકાળ), મધ્ય ગુજરાતમાં, પાટણ ભાંગતાં, અમદાવાદ (મુસ્લિમકાળ), દક્ષિણ ગુજરાતમાં ભરૂચ (મૌર્યકાળથી રાષ્ટ્રકૂટકાળ સુધી) તથા સુરત (મુસ્લિમ અને અર્વાચીનકાળ); સૌરાષ્ટ્રમાં સોરઠમાં ગિરિનગર અને પ્રભાસ મૌર્યકાળથી ચૌલુક્યકાળ); ગોહીલવાડમાં વલભી (મૈત્રકકાળ); ખાલાવાડમાં વર્ધમાનપુર-વઢવાણ (ગુર્જરપ્રતિહારકાળ); હાલારમાં દ્વારકા (ક્ષત્રપકાળથી) અને જામનગર (જેઠવા-શાસનથી). આ હકીકતો ધ્યાનમાં રાખતાં ઉત્તર ગુજરાતી, ચરોતરી, દક્ષિણ ગુજરાતી, અને સૌરાષ્ટ્રી (સોરઠી, ગોહીલવાડી, ઝાલાવાડી, હાલારી) એવા સાધારણ રીતે ગણાવાતા ગુજરાતીના વ્યાપક બોલીવિભાગો સમજી શકાશે. બોલીની દૃષ્ટિએ કચ્છ સિંધનો જ વિસ્તાર છે – કચ્છીમાં ગુજરાતીનાં તત્ત્વોનું સારું એવું ભરણું કે ભારણ હોવા છતાં સ્વરૂપે તો તે સિંધીની જ એક બોલી છે.
આ પ્રાદેશિક બોલીઓ ઉપરાંત કેટલાક સામાજિક બોલીભેદો પણ નોંધ માગી લે છે. આદિવાસી કોમો અને પછાત જાતિઓની બોલીઓમાં ભીલો, ચોધરા, દૂબળા, ખારવા, કોળી, વાઘેર, બારૈયા, મેર, ભરવાડ વગેરેની બોલીઓનો નિર્દેશ કરી શકાય. બીજી કોમોમાં પા૨સીઓની તથા વહોરા વગેરે મુસ્લિમ કોમોની બોલીઓ ધ્યાન ખેંચે તેવી લાક્ષણિકતાઓ ધરાવે છે.
ગુજરાતની બહારની કોઈ ગુજરાતી બોલી વિશે આપણી પાસે પ્રમાણભૂત માહિતી નથી. ખાનદેશી, આહીરાણી, મારવાડી અને નિમાડીના કેટલાક પ્રકારો વગેરે ગુજરાતની સરહદી બોલીઓને તો એક જુદી જ કોટિમાં મૂકવી પડે. તે સિવાય તમિળભાષી મદુરાના સૌરાષ્ટ્રી બ્રાહ્મણોની આગવી બોલી-દક્ષિણની સૌરાષ્ટ્રી, હૈદરાબાદી લંબાડી કે લમાણી, યુરોપના વિવિધ પ્રદેશોની જિપ્સી બોલીઓ, સોવિયેટ રશિયા નીચેના મધ્ય એશિયાના પ્રદેશની પાર્યા' બોલી વગેરેનો સંબંધ ઐતિહાસિક દૃષ્ટિએ રાજસ્થાની-ગુજરાતીની સાથે હોવા છતાં તે બોલીઓનું આજનું સ્વરૂપ જોતાં તેમને ગુજરાતીની બોલીઓ ન જ ગણી શકાય. તો ભારતીય ઉપખંડના અન્ય પ્રદેશોમાં અને ભારતવર્ષની બહારના એશિયા અને આફ્રિકાના વિવિધ પ્રદેશોમાં લાંબા સમયથી વસવાટ કરી રહેલા ગુજરાતીભાષી સમૂહોમાંથી કોઈની બોલી નોંધપાત્ર રીતે તળ ગુજરાત-સૌરાષ્ટ્રની બોલીઓથી ફંટાઈ છે કે કેમ એની કોઈએ તપાસ કરી નથી.
બોલીભેદોની દૃષ્ટિએ ગુજરાતીનું અધ્યયન ગ્રિઅર્સનના પ્રારંભિક પણ વ્યાપક પ્રયાસ પછી ખાસ આગળ વધ્યું નથી. મારવાડ તરફની સરહદની કેટલીક સરહદી