________________
૪૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
પકડી શકીએ છીએ. જેમ આપણી આંખ સામે સતત રહેતા માણસમાં થતો ફેરફાર આપણે કળી શકતા નથી, પણ દસપંદર વરસને અંતરે એકની એક વ્યક્તિને જોતાં તેનામાં થયેલો ફેરફાર તરત જ દષ્ટિગોચર થાય છે, તેવું જ ભાષાનું છે. આમ હોવાથી કોઈ પણ ભાષાના ઇતિહાસમાં અમુક ચોક્સ સમયે આગલી ભૂમિકા શરૂ થઈ એમ ભાગ્યે જ કહી શકાય પણ ભાષામાં થતાં પરિવર્તનોની ગતિ એકધારી નથી હોતી. ઐતિહાસિક કારણોને લઈને અમુક એક ગાળામાં ભાષામાં પ્રમાણમાં થોડા ફેરફાર થતા હોય, તો બીજો સમયનો ગાળો એવો હોય, જેમાં ભાષાનાં વિવિધ અંગોમાં વિપુલ પ્રમાણમાં પલટો આવે. જ્યારે પરિવર્તનનાં સંખ્યાબંધ વલણો અમુક સમયના ગાળામાં અપેક્ષાએ સ્થિર થયેલાં જોવામાં આવે ત્યારે ભાષાની નવી ભૂમિકા સિદ્ધ થઈ એમ ગણાવી શકાય. નવી ભૂમિકાની તુલનામાં આગલી ભૂમિકા પૂરી થાય અને બીજી ભૂમિકા સિદ્ધ થાય એ વચ્ચે હંમેશા સંક્રાંતિનો ગાળો સ્વીકારવાનો હોય છે, જેમાં કેટલીક બાબતમાં આગલી ભૂમિકાનાં વલણ અને પાછલી ભૂમિકાનાં વલણ સાથોસાથ પ્રવર્તતાં હોય છે. એ દૃષ્ટિએ ઈસવી અગિયારમી સદી લગભગથી ઉત્તર ગુજરાત અને મારવાડના પ્રદેશની ભાષામાં અર્વાચીન વલણો પ્રબળ થયાં હોવાનું અને ઈસવી બારમી સદીમાં એ વલણો સ્થિર થયાં હોવાનું આપણે માનીશું તો એ સયુક્તિક ગણાશે.
પ્રાચીન ગુજરાતી આપણી પાસે પ્રાચીન ગુજરાતીની ઠેઠ બારમી સદી લગભગની કૃતિઓ હોવાથી આપણે ગુજરાતીના ઉદ્ગમનો સમય કાંઈક ચોક્કસાઈ સાથે ઠરાવી શક્યા. ઉત્તર ભારતવર્ષની અર્વાચીન ભૂમિકાની ઘણી ભાષાઓનું સાહિત્ય આટલું વહેલું નથી મળતું, કેમકે સાહિત્યભાષા તરીકે રૂઢ થયેલી ભાષાને બદલે બોલચાલની ભાષા સાહિત્યરચના માટે વપરાય એવું અસાધારણ સંજોગોમાં જ બનતું. અપભ્રંશ જેવી સદીઓથી પ્રતિષ્ઠિત સાહિત્યભાષાની તુલનામાં બોલચાલની ભાષા ગ્રામ્ય ગણાય, અને એમાં સાહિત્ય રચવાનું કોઈની કલ્પનામાં પણ ન આવે. પણ અપભ્રંશમાં કમેક્રમે “ગ્રામ્ય' તત્ત્વોનું ભરણું થતું ગયું એટલે શિષ્ટ અપભ્રંશની સાથોસાથ આ ગ્રામ્ય' તત્ત્વોવાળો – એટલે કે બોલચાલની ભાષાની સેળભેળવાળો ઉત્તરકાલીન અપભ્રંશ પણ સાહિત્યરચના માટે વપરાતો થયો. ઉપરાંત ગુજરાતના જૈનો(અને બૌદ્ધો)માં પહેલેથી જ સામાન્ય જનતાની મધ્યમવર્ગની ભાષામાં સાહિત્ય રચવાનો પ્રઘાત હોવાથી એમણે અપભ્રંશની થોડીક છાંટવાળી લોકબોલીમાં જ સાહિત્ય રચવા માંડ્યું. પ્રાચીનતમ ગુજરાતી કૃતિઓ જૈન લેખકોની છે એનું એક કારણ આ છે.
પ્રાચીન સમયથી જ ગુજરાત અનેક પરદેશી જાતિઓના વધતાઓછા ને - આછાગાઢા સંપર્કમાં રહ્યું છે. દરિયાકાંઠાના અને વાણિજ્ય પ્રિય હોવાને કારણે