________________
ગુજરાતી ભાષાનો કુળક્રમ ૪૩
બોલીઓ, પૂર્વની સરહદપારની વાગડી, હાલારી અને ચરોતરી, તથા ભીલી, ચૌધરી વાઘેરી અને વાઘરી – આ બોલીઓનો અમુક અંશે અભ્યાસ થયો છે, પણ સમગ્રપણે અને વિગતે ગુજરાતી બોલીઓનું આધુનિક પદ્ધતિનું સર્વેક્ષણ ઘણું જટિલ કામ હોઈને તે હજી સુધી અસ્કૃષ્ટ રહ્યું છે.'
ઓગણીસમી શતાબ્દીના ઉત્તરાર્ધથી પાશ્ચાત્ય સંપર્કને પરિણામે, અંગ્રેજી શાસન નીચે, શિક્ષણ સાહિત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રયોજનો માટે વ્યાપક વ્યવહારની આજની શિષ્ટ' કે માન્ય ગુજરાતી વિકસી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, કેટલાક સંતભક્ત કવિઓને બાદ કરતાં, ઘણુંખરું તો બ્રાહ્મણો અને જૈન સાધુઓએ ખેડ્યું છે. અર્વાચીન યુગમાં પણ પ્રારંભે બ્રાહ્મણો (નાગરો વગેરે) તથા કાયસ્થોએ માન્ય ગુજરાતીના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમની પાસે પ્રશિષ્ટ તેમજ લૌકિક સાહિત્યના અધ્યયન અને નિર્માણની દીર્ઘ પૂર્વપરંપરા હતી એટલે અર્વાચીન માન્ય ગુજરાતીના ઘડતરમાં અમદાવાદ, સુરત, ભાવનગર, વઢવાણ આદિમાંથી કોઈ એક કે વધુ પ્રદેશની બોલીએ અધિષ્ઠાનનો ભાગ ભજવ્યો હોય તો પણ અમુક અંશે પ્રાદેશિક મર્યાદાથી અલિપ્તપણે અમુક સુશિક્ષિત કોમોમાં સચવાયેલી રૂઢ ભાષાપ્રયોગોની પરંપરાએ પણ સારો એવો ફાળો આપ્યો હશે એમ લાગે છે. પ્રાગર્વાચીન સાહિત્ય દ્વારા સૂચવાતું અમુક પ્રકારનું ગુજરાતીનું વ્યાપક-અપ્રાદેશિક સ્વરૂપ અર્વાચીન સમયમાં વિવિધ અને સંકુલ પરિબળોથી વિકસ્યું હોવાના સંકેતો છે, પણ વિશિષ્ટ સંશોધન પછી જ આ અંગે ચોક્કસ વિધાનો : કરી શકાય.
શહેરી સુશિક્ષિત વર્ગના સાહિત્ય, શિક્ષણ, અખબારો, નાટક, રેડિયો આદિ વ્યવહારોમાં વપરાતી આજની માન્ય ગુજરાતીનું સ્વરૂપ સારા પ્રમાણમાં શિથિલ, પ્રવાહી, ભેળસેળિયું અને અનિયત છે. અને જેમ જેમ શિક્ષણનો તથા સામુદાયિક સંદેશાવ્યવહારનાં માધ્યમોનો ફેલાવો વધતો જાય છે અને નાગરિક જીવનની દરેક કક્ષાએ ગુજરાતી વપરાતી થાય છે તેમતેમ આ શિથિલતા અને ધોરણનો અનાગ્રહ કે અનાદર વ્યાવહારિક તેમજ અર્થસંક્રમણની વધુ ગૂંચો અને વધુ મુશ્કેલીઓ ઊભી કરતાં જાય છે. ઉચ્ચારણ, વ્યાકરણ અને શબ્દપ્રયોગનાં સાર્વત્રિક ધોરણો હવે સ્થપાવાં જરૂરી છે. માન્ય ગુજરાતીની આધુનિક સંસ્કારજીવનના સાધન લેખેની ક્ષમતા વધવાને બદલે ઘટવાનાં સ્પષ્ટ ચિલ વરતાઈ રહ્યાં છે.