________________
ગુજરાતી ભાષાનો કુળક્રમ ૩૭
સૂચક છે. ને તેવી જ સૂચક છે હિંદી ને ગુજરાતી-મારવાડી વચ્ચેની અનેક દેશ્ય ને તળપદા શબ્દોની, રૂપોની ને રૂઢોક્તિઓની સમાનતા જે સમાનતા ઉપરકહ્યા અપભ્રંશના સમાન વારસાને જ આભારી છે.
-
શબ્દભંડોળના વિષયમાં એક ખાસ નોંધવા જેવી વિશિષ્ટતા એ છે કે પ્રાકૃત વ્યાકરણોએ જેમને દેશ્ય’ કે દેશી' એવું નામ આપ્યું છે, તે શબ્દોનો પ્રચાર પ્રાકૃત કરતાં અપભ્રંશમાં અને એનાથી અનેકગણો પછીની ભૂમિકામાં થયો છે. ‘દેશ્ય’ એટલે વસ્તુતઃ તો એવા શબ્દ જે પ્રાકૃતમાં-અપભ્રંશમાં પ્રવર્તતાં સાદાં અને વધુ વ્યાપક ધ્વનિવલણોની નીચે સહેલાઈથી ન આવતા હોય, જે શબ્દનું પૂર્વરૂપ સંસ્કૃતમાં કે એની પૂર્વ ભૂમિકામાં ન જળવાઈ રહ્યું હોય, જે શબ્દ દ્રાવિડી વગેરે ભારતવર્ષની આર્યેતર ભાષાઓમાંથી અથવા તો ભારતવર્ષની બહારની પરદેશી જાતિઓની ભાષામાંથી આવ્યા હોય, અથવા તો છેવટે જેઓનું મૂળ અજ્ઞાત હોય.
પૂર્વભૂમિકા–કહો કે જનની – લેખે અપભ્રંશની ગુજરાતી હિંદી જેવી અર્વાચીન ભૂમિકાની ભાષાઓ સાથે આંતરિક નિકટતા હોવા છતાં બાહ્ય દેહે એ એક મધ્યમ ભારતીય-આર્ય ભાષા જ છે, જ્યારે ગુજરાતી વગેરે ભાષાઓ અર્વાચીન ભારતીયઆર્ય ભૂમિકાની છે.
અપભ્રંશનો પ્રભાવ – અપભ્રંશરંગી શબ્દો, લઢણો ને રૂઢિપ્રયોગો તો પંદરમીસોળમી શતાબ્દી સુધી સાહિત્યક્ષેત્રે વપરાતાં રહ્યાં છે, પણ બારમી શતાબ્દીથી જ આપણને રાજસ્થાન ગુજરાત માળવાના પ્રદેશની તળપદી બોલીઓની સ્પષ્ટ છાપ ધરાવતી ભાષામાં સાહિત્ય મળવા લાગે છે. દસમી શતાબ્દી પછી ઉત્તરભારતીય બોલીઓની જે નવી – ત્રીજી ભૂમિકા મંડાય છે તેની એ હકીકત દ્યોતક છે. ઉક્ત સમગ્ર પ્રદેશની ભાષા સાહિત્યિક પ્રયોજન પૂરતી એકરૂપ ગણી શકાય એમ હતું. નરસિંહ, ભાલણ, ગણપતિ વગેરે જેવા જેમ આપણા તળગુજરાતના સાહિત્યકાર તેમ ‘કાન્હડદે પ્રબંધ'નો કર્તા પદ્મનાભ, મીરાં વગેરે જેવાં આપણા જ તળ રાજપૂતાનાનાં સાહિત્યકાર, અને ગુજરાતીના જૈન રાસાકારો ને ગદ્યકારોમાંથી અનેકે ગુજરાતમાં રહીને, તો અનેકે રાજપૂતાનામાં રહીને, પોતાની લેખનપ્રવૃત્તિ કરી હોવાનું જાણીતું છે.
‘ગુજરાત’ નામકરણ
‘ગુજરાતી’ નામના મૂળમાં ‘ગુજરાત’ એ પ્રાદેશિક સંજ્ઞા છે. ‘ગુજરાત'નું પ્રાચીન રૂપ હતું ‘ગુજ્જરત્તા’(સંસ્કૃત બનાવેલું રૂપ ‘ગુર્જરત્રા’ કે ‘ગૂર્જરત્રા’), ને એનો અર્થ હતો ‘ગુર્જર લોકો,’ ‘ગુર્જર લોકોનો સમૂહ' અને પછી ‘ગુર્જરોના અધિકાર નીચેનો પ્રદેશ.' મૂળે પરદેશી જણાતા ગુર્જરો (કે ગૂર્જરો) સાતમી શતાબ્દી સુધીમાં તો આર્ય પ્રજામાં ભળીને એકરૂપ થઈ ગયેલા. પણ જ્યારેજ્યારે કોઈ પણ પરદેશી