________________
૨ ગુજરાતી ભાષાનો કુળક્રમ
હરિવલ્લભ ભાયાણી
ભાષાઓ સતત પરિવર્તનશીલ છે. બોલાતી ભાષાનું સ્વરૂપ ક્રમેક્રમે સૂક્ષ્મ રીતે, અભાનપણે અવિરત પલટાતું રહે છે. વર્ણો રૂપો વાક્યરચના શબ્દભંડોળ અર્થસંકેતો ને બંધારણ એ સૌમાં વધતુંઓછું રૂપાંતર થતું જ રહે છે. અને આ રીતે જેમ કાળને અનુસરીને ભાષામાં વિકાર થાય છે તેમ સ્થળ અને સમાજબંધારણને અનુસરીનેયે ભાષાસ્વરૂપમાં પલટો આવે છે. અમુક પ્રદેશ પર એકરૂપે બોલાતી ભાષાની એકરૂપતા ઝાઝો સમય ભાગ્યે જ ટકી રહે છે. એ પ્રદેશનાં જુદાંજુદાં વિભાગો અને જૂથો વચ્ચેના સંબંધ ને વ્યવહાર ઐતિહાસિક આર્થિક ને સામાજિક કારણોને લીધી ઓછા થતાં, તે તે વિભાગના લોકોની બોલીમાં આગવી વિશિષ્ટતાઓ વિકસે છે, એટલે કે એકરૂપે બોલાતી ભાષામાંથી બોલીઓ ઉદ્ભવે છે. ઐતિહાસિક બળોની અનુકૂળતા મળતાં આ બોલીઓ સ્વતંત્ર વ્યક્તિત્વવાળી ભાષાઓ બની રહે છે.
-
ઉત્તર ભારતની ઘણીખરી ભાષાઓ ભારત-યુરોપીય પરિવારની છે, એટલે કે મૂળે એકરૂપે રહેલી ભારત-યુરોપીય ભાષાનાં જ એ રૂપાંતર છે. ભારત અને યુરોપમાં પ્રચલિત ઘણી ભાષાઓનું મૂળ ભારત-યુરોપીય છે. ભારત-યુરોપીય પરિવારની દસ શાખા તે ભારત-ઈરાની, બાલ્ટિક-સ્લાવિક, આર્મિનિઆઈ, આલ્બેનિઆઈ, ગ્રીક, ઇટેલિક, સેલ્ટિક, જર્મેનિક, તોખારી અને હિત્તી. ભારતીયઈરાનીની એક ઉપશાખા તે ભારતીય આર્ય – ભારતવર્ષમાં આવી વસેલા આર્યોની ભાષા. ઉત્તર ભારતવર્ષની પ્રાચીન સમયની સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓ તેમજ એમાંથી કાળક્રમે ઉદ્ભવેલી ગુજરાતી, હિંદી, મરાઠી, બંગાળી વગેરે અર્વાચીન ભાષાઓ આ ભારતીય-આર્ય શાખાની છે.
ભારતીય-આર્યનો વિકાસ ત્રણેક તબક્કાઓમાં વહેંચતો અધ્યયનદૃષ્ટિએ અનુકૂળ છેઃ પ્રાચીન ભારતીય-આર્ય, મધ્યમ ભારતીય-આર્ય અને અર્વાચીન ભારતીય-આર્ય. વૈદિક