________________
ગુજરાતી ભાષાનો કુળક્રમ ૨૯
પરિણામે રચનાસમય ને પ્રતિલિપિસમય વચ્ચે અંતર હોય ત્યારે એ કૃતિની ભાષામાં મૂળના અંશોની અને મુકાબલે અર્વાચીન અંશોની અનિયંત્રિત ભેળસેળ અનિવાર્ય બનતી. અભાનપણે આવું થતું હોય ત્યાં મૂળનાં ઉચ્ચારણ ને રૂ૫ યથાતથ જાળવી રાખવાની કે તેમને સ્થાને થોડાક ફેરવાળાં નવાં ઉચ્ચારણ ને રૂપ મૂકી દેવાની બાબતમાં સાવ અતંત્રતા પ્રવર્તતી. આમાં જુદાજુદા બોલીપ્રદેશમાં થતી અમુક એક કૃતિની પ્રતિલિપિઓમાં સ્થાનિક અંશો પણ પ્રવેશતા અને પરિણામે ભાષાનું મૂળ સ્વરૂપ વધુ સેળભેળિયું બનતું. એટલે સૌથી પહેલાં તો, પ્રાચીન ગુજરાતી લેખનપદ્ધતિના અધ્યયન દ્વારા તથા અર્વાચીન ગુજરાતીની વ્યવસ્થાને પડછે, હસ્તપ્રતોની ભાષાના પ્રાચીન, અર્વાચીન અને સ્થાનિક અંશોને જુદા પાડવાનાં ધોરણ નિશ્ચિત કરવાનું અને તેમનો ઉપયોગ કરીને કૃતિઓનો સમીક્ષિત ગ્રંથપાઠ તૈયાર કરવાનું પ્રારંભિક કાર્ય થઈ જાય, એ પછી જ પ્રાચીન ગુજરાતી ભાષાસામગ્રીનેઐતિહાસિક વિકાસ તપાસવા માટે – પૂરી છૂટથી ઉપયોગમાં લઈ શકાય. આંતરિક પુનર્ઘટના તથા તુલનાત્મક પદ્ધતિનો પણ આ માટે આવશ્યક ઉપયોગ કરાય.
સમગ્રપણે કે સમયસમયની પ્રાચીન ગુજરાતીનું ઐતિહાસિક દ્રષ્ટિએ અધ્યયન કરવા ઇચ્છનાર, એનાં આધારભૂત સાધનસામગ્રીની આ મર્યાદાઓ અને મુલવણી નજર સામે રાખીને જ, પ્રવૃત્ત થવાનું રહે છે.
ગુજરાતી ભાષા આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં બીજી બધી ભાષાઓથી ભિન્ન હોય તેવી એક ભાષાનો ખ્યાલ હોય છે. ભિન્ન એટલે પોતાના આગવા સ્વરૂપથી, અલાયદા વ્યક્તિત્વથી બીજી ભાષાઓથી જુદી પડી આવતી. ગુજરાતીને આ વ્યક્તિત્વ ક્યારથી મળ્યું? એ પહેલાંથી જ સિદ્ધ હતું? આપણે જાણીએ છીએ કે ભાષાનાં ઉદ્દભવ ને અસ્તિત્વ સમાજને કારણે છે. પરિણામે ભાષાનું વ્યક્તિત્વ એના સમાજના વ્યક્તિત્વ ઉપર નિર્ભર હોય છે. વ્યક્તિના વ્યક્તિત્વ જેટલું કોઈ સામાજિક જૂથનું વ્યક્તિત્વ સુખ ને નિર્ભેળપણે અલગ તારવી શકાય તેવું નથી હોતું એ ખરું, પણ સ્પષ્ટ-અસ્પષ્ટ રૂપમાં આપણે એને ઓળખતા હોઈએ છીએ એ પણ એટલું જ ખરું; વાણિયો ને સોની, સુરતી ને અમદાવાદી, હિંદુ ને મુસ્લિમ વગેરેની લોકજીભે તારવી આપેલી ખાસિયતો સૌને જાણીતી છે. *
સામાજિક જૂથના વ્યક્તિત્વનો પાયો એની રહેણીકરણીની વિશિષ્ટતામાં હોય * અર્વાચીન ગુજરાતીમાંના સામાજિક બોલીભેદો પરત્વે જુઓ આ ગ્રંથના પ્રકરણ ૩ ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળોનો ત્રીજો ખંડ.