________________
૩૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
છે. એક જૂથ અને બીજા જૂથ વચ્ચે પહેરવેશ, રીતિરવાજ, ખાનપાન, બોલી, માનસિક વલણો વગેરે જેવી બાબતોમાં ઉઘાડો ફરક હોય છે, – ને એ ફરક પણ આજકાલનો નહિ, પણ પરંપરાથી બંધાતો આવેલો. દરેક સામાજિક જૂથના સભ્યોને આપસમાં
સાંધનારી કડીઓ તે બીજી કોઈ નહિ, પણ આવી સમાન સાંસ્કૃતિક વિશિષ્ટતાઓ જ છે. સમયેસમયે પ્રવર્તેલાં ઐતિહાસિક ભૌગોલિક ને આર્થિક પરિબળોથી એ વિશિષ્ટતાઓ ઉદ્દભવે છે ને જૂથભાવના પ્રગટ ભાન સાથે પોષાતી જાય છે. આ રીતે બંધાતા સામાજિક વ્યક્તિત્વમાં ભાષા એ સૌથી ઉપર તરી આવતું ભેદક લક્ષણ બને છે.
આ દૃષ્ટિએ સમજી શકાશે કે ગુજરાતી સમાજનું અને એના અનુષંગે ગુજરાતી ભાષાનું વ્યક્તિત્વ સમયના પ્રવાહ સાથે ઉત્તરોત્તર સિદ્ધ થતું આવ્યું હોઈને, જેમજેમ સંપર્કની માત્રા ઓછી થઈ ગઈ તેમતેમ, ક્રમેક્રમે જ, ગુજરાત પ્રદેશના લોકો ભારતવર્ષના બીજા પ્રદેશોના લોકોથી રહેણીકરણીમાં જુદા પડતા ગયા હોય અને ગુજરાતી સમાજ તથા ભાષાનું આગવું વ્યક્તિત્વ વિકસ્યું હોય.
આ પ્રક્રિયા સર્વસામાન્ય છે, એટલે કે એ બીજી ભારતીય ભાષાઓ ને સમાજોના વિકાસ પરત્વે પણ સમજવાની છે. એ ગુજરાતીનો ઉદ્ગમ તેમજ વિકાસ કેટલેક અંશે અન્ય ઉત્તરભારતીય ભાષાઓ સાથે નિકટપણે સંકળાયેલા હોવાથી, સ્પષ્ટ ચિત્ર ઉપસાવવા માટે તેમને અલગરૂપે નહિ, પણ સમગ્રના સંદર્ભમાં જ જોવાના રહેશે.
પ્રાચીન બોલીભેદો
ઈસવી સન પૂર્વે પંદરસો વરસના અરસામાં જ્યારે આર્યોએ ભારતવર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે ભારતમાં જુદાંજુદાં ત્રણેક કુળોની ભાષા બોલતા લોકો વસેલા હતા. ઉત્તર-પૂર્વ અને પૂર્વ સરહદ ૫૨ ચીની તિબ્બતી બોલીઓ, મધ્ય ભારતની મુંડા બોલીઓ અને દક્ષિણ ભારતની દ્રાવિડી બોલીઓ. દ્રાવિડીભાષી લોકો એ વેળા ઉત્તર ભારતવર્ષમાં પણ અમુક અંશે વસેલા હતા. હડપ્પા સંસ્કૃતીસંધુ સંસ્કૃતિ)ના લોકોની, વિશેષે ગુજરાતમાંની લોથલ વગેરે હડપ્પીય સંસ્કૃતિની વસાહતોની, ભાષા દ્રાવિડી હતી કે બીજી કોઈ, એનો નિર્ણય હજી થઈ શક્યો નથી. ગુજરાતીનું મૂળ ‘ત્રીજી પેઢીએ’ આર્યોની ભાષામાં રહેલું છે. બધા આર્યો એકસાથે ભારતવર્ષમાં ન આવ્યા હોય, પણ જુદેજુદે સમયે અમુક ટોળીઓના જથ્થા આવતા રહ્યા હોય એ સમજી શકાય છે. એટલે ભારતવર્ષમાં આવી વસેલા આર્યોની ભાષા સાવ એકરૂપ હોવા કરતાં તે વધતોઓછો બોલીભેદ ધરાવતી હોવાનો ઘણો સંભવ. અને બીજી રીતે પણ એ માટે થોડાક પુરાવા પાછળથી મળે છે.
ભારતવર્ષમાં આવેલા આદિમ આર્યોમાં સામાજિક ભેદ અનુસાર જુદાજુદા