________________
૧૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ: ૧
વિરધવલનો પુત્ર હતો. એના વંશજ કર્ણદેવના સમયમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીની ફોજે ગુજરાત પર વિજયી આક્રમણ કર્યું – પહેલાં ઈ.૧૨૯૯માં ને ફરી ઈ. ૧૩૦૪માં. એને લઈને ગુજરાતમાં સોલંકી રાજ્યનો અંત આવ્યો ને એને સ્થાને દિલ્હી સલ્તનતની હકૂમત સ્થપાઈ.
સોલંકી રાજ્ય ઘણું વિશાળ હતું ને એને વહીવટ માટે સારસ્વત, સત્યપુર(સાંચોર), કચ્છ, સૌરાષ્ટ્ર, ખેટક(ખેડા), લાટ(દક્ષિણ ગુજરાત), દધિપદ્ર(દાહોદ), અવંતિ, ભાઈલ્લસ્વામીભીલસા), મેદપાટમેવાડ), અષ્ટદશશત(આબુની આસપાસ) વગેરે મંડલોમાં વિભક્ત કરવામાં આવેલું. સારસ્વત મંડલમાં ગાંભૂતા(ગાંભુ), વર્કિ (વઢિયાર), ધાણદ(ધાણદા), વિષય(સિદ્ધપુરની આસપાસ), દહાડીમહેસાણા-કડીકલોલ) વગેરે પથક આવેલા હતા.
સોલંકી રાજાઓ સામાન્યતઃ શૈવધર્મના અનુયાયી હતા. શ્રીસ્થલ(સિદ્ધપુર)નો રુદ્રમહાલય, પ્રભાસનું સોમેશ્વરસોમનાથ)મંદિર અને ડભોઈનું વૈદ્યનાથ મંદિર એ સમયનાં શિવાલયોમાં જાણીતાં છે. સોમનાથના પાશુપત મહંતોમાં બૃહસ્પતિ અને ત્રિપુરાંતક વિખ્યાત છે. કર્ણદેવ વાઘેલાના પુરોગામી રાજા સારંગદેવના સમયના શિલાલેખના મંગલાચરણમાં જયદેવના ગીતગોવિંદમાંનો શ્રીકૃષ્ણના દશાવતારને લગતો શ્લોક આપવામાં આવ્યો છે. સૂર્યમંદિરોમાં મોઢેરાનું ભવ્ય સૂર્યમંદિર સુપ્રસિદ્ધ છે. આબુ, ગિરનાર, શત્રુંજય, તારંગા, કુંભારિયા વગેરે સ્થળોએ આવેલાં અનેક સુંદર દેરાસર આ કાળનાં છે. સિદ્ધરાજની રાજસભામાં કર્ણાટકના દિગંબર કુમુદચંદ્ર અને ગુજરાતના શ્વેતાંબર દેવચંદ્રસૂરિ વચ્ચે વાદવિવાદ થતાં એમાં દિગંબર પક્ષનો પરાજય થયો ને ગુજરાતમાં શ્વેતાંબર સંપ્રદાયનું વર્ચસ્વ સ્થપાયું. રાજા કુમારપાળ તથા મંત્રી વસ્તુપાળ જૈન ધર્મના પ્રભાવક તરીકે પ્રસિદ્ધ છે.
આબુ પર દેલવાડામાં બંધાયેલાં જૈન મંદિરોમાં ભીમદેવ-પહેલાના દંડનાયક વિમલે બંધાવેલું આદિનાથનું મંદિર તથા તેજપાલે બંધાવેલું નેમિનાથનું મંદિર આરસની મનોહર શિલ્પકળા-સમૃદ્ધિ માટે દેશવિદેશમાં ખ્યાતિ ધરાવે છે. કુંભારિયાનું મહાવીરનું મંદિર પણ વિમલ મંત્રીએ બંધાવ્યું જણાય છે. ગિરનાર પર સિદ્ધરાજના દંડનાયક સજ્જને નેમિનાથનું પથ્થરનું મંદિર બંધાવેલું તેમજ મહામાત્ય વસ્તુપાળે પણ એક મોટો ત્રિકૂટ પ્રાસાદ બંધાવેલો. તારંગા પરનું અજિતનાથનું મંદિર કુમારપાળે બંધાવ્યું ગણાય છે. શત્રુંજય પર ઉદયન મંત્રીની ઈચ્છા અનુસાર એના પુત્ર વાડ્મટે આદિનાથનું પથ્થરનું મંદિર બંધાવેલું. કુમારપાળે તથા વસ્તુપાળ-તેજપાળે ગુજરાતમાં ઠેકઠેકાણે સુંદર જિનાલય બંધાવ્યાં હતાં. પ્રભાસના સોમનાથ મંદિરનો આ કાળ દરમ્યાન અનેક વાર જીર્ણોદ્ધાર થયેલો. મંદિરોના સ્થાપત્ય-સ્વરૂપમાં હવે સળંગ ઊભી રેખાવાળાં ઊંચાં શિખર ધરાવતાં મંદિરોની નાગર શૈલી પૂર્ણ વિકાસ પામી. એના