________________
ગુજરાતનું ઘડતર
તલમાનમાં પણ ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ, સભામંડપ, મુખમંડપ, તોરણ, કુંડ ઇત્યાદિ અનેક અંગોનો વિકાસ થયો. સેજકપુર તથા ઘૂમલીનાં નવલખા મંદિર, ગળતેશ્વર(તા. ઠાસરા)નું મંદિર, થાનનું ત્રિનેત્રેશ્વર મંદિર વગેરે મોટાં પ્રાચીન મંદિર પણ સોલંકીકાળનાં સ્મારક છે. અજ્ઞાન લોકોમાં કોઈ ને કોઈ પ્રસિદ્ધ યુગલની ચૉરી તરીકે ઓળખાતાં ઉત્તુંગ તોરણ (કમાનદાર દરવાજા) શામળાજી, મોઢેરા, સિદ્ધપુર, વડનગર, કપડવણજ વગેરે અનેક સ્થળોએ જોવા મળે છે. જળાશયોમાં વિરમગામનું મુનસર અને ધોળકાનું મલાવ તળાવ પણ જોવાલાયક છે. કિલ્લાઓમાં ડભોઈ અને ઝીંઝુવાડાના કિલ્લા ખાસ દર્શનીય છે. સોલંકી કાળની વિવિધ પ્રતિમાઓ તથા સુશોભન-શિલ્પકૃતિઓ સંખ્યા તેમજ કળાકૌશલ માટે નોંધપાત્ર છે. ગ્રંથોની હસ્તલિખિત પ્રતોમાં સુલેખનકળા ઉચ્ચ છાપ પાડે તેવી છે. આ કાળની પ્રતો મુખ્યતઃ તાડપત્ર પર લખાતી. આ તાડપત્ર ૦.૬ થી ૦.૯ મીટર (બે થી ત્રણ ફૂટ) લાંબાં, પણ પહોળાઈમાં માત્ર ૫ થી ૭.૫ સે.મી.(બેથી ત્રણ ઈંચ) જેટલાં જ હોય છે. કેટલીક પ્રતોમાં સુંદર લઘુચિત્ર ચીતરેલાં હોય છે. સચિત્ર હસ્તપ્રતોમાં પશ્ચિમ ભારતની ચિત્રકળાની એક વિશિષ્ટ શૈલી નજરે પડે છે. હસ્તપ્રતો લખાવવામાં તેમજ જાળવવામાં જૈન સમાજે ઘણી કાળજી રાખેલી છે.
૧૯
પ્રજાનો મોટો વર્ગ ખેતી કરતો. ચોમાસુ પાક ઉપરાંત શિયાળુ પાક પણ લેવાતો. અનાજ ઉપરાંત શેરડી, ગળી અને કપાસનું વાવેતર થતું. માંગરોળ-ચોરવાડ પ્રદેશમાં નાગરવેલનાં પાન થતાં. ગુજરાતનું કાપડ ભરૂચ અને ખંભાત બંદરથી દેશવિદેશમાં નિકાસ થતું. ચામડાની સુંદર ચીજો દેશિવદેશમાં મશહૂર ગણાતી. ગુજરાતનો બીજો કેટલોક વર્ગ વેપારવણજમાં પરાયણ રહેતો. ગુજરાતના વેપારીઓ સિલોન, જાવા, ચીન વગેરે દેશો સાથે દરિયાઈ વેપાર કરતા. કરોડપતિ શ્રીમંતોનાં મકાનો ઉપર કોટિધ્વજ ફરકતો.
હવે બ્રાહ્મણો તથા વણિકોમાં પેટાજ્ઞાતિઓ પ્રચલિત થઈ. લગ્ન નાની ઉંમરે થતાં ને એની ગોઠવણ વડીલો કરતાં. શ્રીમંત લોકો બે, ત્રણ કે ચાર પત્ની રાખતા. પતિ મૃત્યુ પામતાં સ્ત્રી સામાન્યતઃ વૈધવ્ય પાળતી, છતાં ક્યારેક પુનર્વિવાહ પણ કરતી. એવી રીતે ક્યારેક છૂટાછેડા પણ લેવાતા. સોલંકી કાળમાં ગુલામીનો રિવાજ પણ પ્રચલિત હતો. સમાજમાં સુરાપાન, ઘૃત, વેશ્યાગમન વગેરે મોજશોખ પણ પ્રવર્તતા. ઉત્સવો, રમતો તથા નાટ્યપ્રયોગો તરફ લોકો ઠીકઠીક અભિરુચિ ધરાવતા. લોકો અમાનુષી ચમત્કારોમાં તથા વહેમોમાં ઘણી શ્રદ્ધા ધરાવતા. સોલંકી રાજ્યની રાજધાની અણહિલવાડ પાટણમાં ચોરાસી ચોક અને ચોરાસી ચૌટાં હતાં. ગુજરાતની પ્રજા થોડી મહેનતે ઘણું રળવાની કુનેહ ધરાવતી. ‘ગુજરાત' નામ પણ આ કાળ દરમ્યાન પ્રચલિત થયું.