________________
૨૧૬
કૃષ્ણરાજીઓ કૃષ્ણરાજીઓના આઠ આંતરાઓમાં લોકાંતિક દેવોના આઠ વિમાનો આવેલા છે. તે આ પ્રમાણે - ઉત્તર અને પૂર્વની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં અર્ચિ વિમાન છે. પૂર્વની બે કૃષ્ણરાજીઓના આંતરામાં અર્ચિમાલી વિમાન છે. પૂર્વ અને દક્ષિણની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં વૈરોચન વિમાન છે. દક્ષિણની બે કૃષ્ણરાજીઓના આંતરામાં પ્રભંકર વિમાન છે. દક્ષિણ અને પશ્ચિમની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં ચંદ્રાભ વિમાન છે. પશ્ચિમની બે કૃષ્ણરાજીઓના આંતરામાં સૂર્યાભ વિમાન છે. પશ્ચિમ અને ઉત્તરની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં શુક્રાભ વિમાન છે. ઉત્તરની બે કૃષ્ણરાજીઓના આંતરામાં સુપ્રતિષ્ઠાભ વિમાન છે. આઠે કૃષ્ણરાજીઓની મધ્યમાં રિષ્ટ વિમાન છે. આ વિમાનોમાં લોકાંતિક દેવો રહે છે. તે આ પ્રમાણે - અર્ચિ વિમાનમાં સારસ્વત દેવો, અર્ચિમાલી વિમાનમાં આદિત્ય દેવો, વૈરોચન વિમાનમાં વહ્નિ દેવો, પ્રભંકર વિમાનમાં વરુણ દેવો, ચંદ્રાભ વિમાનમાં ગઈતોય દેવો, સૂર્યાભ વિમાનમાં તુષિત દેવો, શુક્રાભ વિમાનમાં અવ્યાબાધ દેવો, સુપ્રતિષ્ઠાભ વિમાનમાં મરુત દેવો (તેમનું બીજું નામ આગ્નેય દેવો છે), રિષ્ટ વિમાનમાં રિષ્ટ દેવો રહે છે. (સૂત્ર-૪/૨૬) સારસ્વત અને આદિત્ય બંનેના ભેગા મળીને ૭ દેવો છે અને તેમનો ૭00 દેવોનો પરિવાર છે. વહ્નિ અને વરુણ બંનેના ભેગા મળીને ૧૪ દેવો છે અને તેમનો ૧૪,૦૦૦ દેવોનો પરિવાર છે. ગઈતોય અને તુષિત બંનેના ભેગા મળીને ૭ દેવો છે અને તેમનો ૭,૦૦૦ દેવોનો પરિવાર છે. અવ્યાબાધ-આગ્નેય-રિષ્ટના નવ દેવો છે અને તેમનો ૯૦૦ દેવોનો પરિવાર છે. લોકાંતિક દેવોની સ્થિતિ ૮ સાગરોપમ છે. તેઓ તીર્થંકર ભગવંતોને દીક્ષાના એક વર્ષ પૂર્વે ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરી દીક્ષા ગ્રહણ કરવા જણાવે છે. ભગવાન સ્વયં જાણે છે, પણ તે દેવોનો તે પ્રમાણેનો આચાર છે.