________________
૩૦૮
દ્રવ્ય, દાતા, પાત્ર
(vi) કલ્પનીય - ઉદ્ગમાદિ દોષરહિત, અભક્ષ્ય-અપેય-અગ્રાહ્ય ન હોય તે.
(૨) દ્રવ્ય - સાર, જાતિ અને ગુણોની ઉત્કૃષ્ટતાવાળું દ્રવ્ય આપવું. સાર એટલે ગંધ-રસ વગેરે બગડ્યા ન હોય તેવું. જાતિ એટલે અનાજ વગેરેની સારી જાતિ. ગુણ એટલે સુગંધી, સ્નિગ્ધ, મધુર વગેરે.
(૩) દાતા - (૧) દાતાને દાન લેનાર ઉપર ગુસ્સો ન હોવો જોઈએ. (૨) તેને દાન આપ્યા પછી વિષાદ ન થવો જોઈએ. (૩) દાતાએ દાન આદરપૂર્વક આપવું જોઈએ. (૪) દાતાને દાન આપ્યા પહેલાં, દાન આપતી વખતે અને દાન આપ્યા પછી હર્ષ થવો જોઈએ. (૫) દાતાએ કર્મનિર્જરાના ઉદ્દેશથી દાન આપવું જોઈએ. (૬) દાતાને દાન આપવા પાછળ દૃષ્ટ (સાંસારિક)ફળની અપેક્ષા ન હોવી જોઈએ. (૭) દાતાએ દાન આપવામાં માયા ન કરવી. દા.ત. ઉપર સારું ને નીચે ખરાબ રાખીને આપવું તે માયા. (૮) દાતાએ દાન આપ્યા પછી એના ફળનું નિયાણું ન કરવું.
(૪) પાત્ર - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર, સમ્યક્તપથી યુક્ત પાત્ર હોય તેને દાન કરવું.
બેઝિક ફોર્મ્યુલા સમજાયા પછી ગણિતનો દાખલો ઉકેલવો સરળ પડે છે. એના અભાવમાં એ જ દાખલો અઘરો લાગે છે. જીવનના પણ બેઝિક ફોર્મ્યુલા શીખી લઈએ એટલે જીવનના દાખલા ઉકેલવા સહેલા પડે. જીવનનો બેઝિક ફોર્મ્યુલા આ છે ધર્મથી સુખ મળે છે, પાપથી દુ:ખ મળે છે.
• આપણું સુખ ખોવાયું નથી, ઢંકાઈ ગયું છે. ચાલો, એને પ્રગટ કરવાના પ્રયત્નો કરીએ.