________________
ધર્મ, ક્ષમા, ક્રોધનો નિગ્રહ કરવાના ઉપાયો
૩૬૧
તે ૧૦ પ્રકારે છે. તેને યતિધર્મ પણ કહેવાય છે. તે આ પ્રમાણે છે - (સૂત્ર-૯/૬)
૧) ક્ષમા - ક્રોધનો નિગ્રહ કરવો તે ક્ષમા.
ક્રોધનો નિગ્રહ કરવાના ઉપાયો -
(૧) ક્રોધનું નિમિત્ત પોતાનામાં છે કે નહીં તે વિચારવું.
બીજી વ્યક્તિ આપણા જે દોષો બોલે કે જેનાથી આપણને ગુસ્સો આવે તે ક્રોધનું નિમિત્ત. તે દોષો જો આપણામાં હોય તો વિચારવું કે ‘આ વ્યક્તિ ખોટું નથી બોલતી, સાચું જ બોલે છે.’ એમ વિચારી ક્ષમા રાખવી. તે દોષો જો આપણામાં ન હોય તો વિચારવું કે ‘આ દોષો મારામાં નથી. આ વ્યક્તિ અજ્ઞાનથી આવું બોલે છે.’ આમ વિચારી ક્ષમા રાખવી.
(૨) ક્રોધના દોષો વિચારવા.
ક્રોધથી દ્વેષ થાય, ગુરુ વગેરેની આશાતના થાય, સ્મૃતિનો ભ્રંશ થાય, વ્રતનો લોપ થાય વગેરે. ક્રોધના આવા દોષો વિચારી ક્ષમા રાખવી.
(૩) સામી વ્યક્તિના બાળસ્વભાવની વિચારણા કરવી.
સામી વ્યક્તિ પરોક્ષમાં (બીજાની સામે) નિંદા કરતી હોય તો એમ વિચારવું કે ‘મારી સામે તો મારી નિંદા નથી કરતી ને !' સામી વ્યક્તિ સામે નિંદા કરતી હોય તો એમ વિચારવું કે ‘મને મારતી તો નથી ને!’ સામી વ્યક્તિ મારતી હોય તો એમ વિચારવું કે ‘મને મારી તો નથી નાખતી ને !' સામી વ્યક્તિ મારી નાંખતી હોય તો એમ વિચારવું કે ‘મને ધર્મથી ભ્રષ્ટ તો નથી કરતી ને !’
આમ સામી વ્યક્તિના બાળસ્વભાવની અને પોતાના લાભની વિચારણા કરી ગુસ્સો ન કરવો.