________________
૩૬૬
તપ, બાહ્યતપ, અનશન
ધારણ કરવાની શક્તિવાળા હતા ત્યારે પુસ્તકોનું પ્રયોજન ન હતું. દુઃષમકાળના પ્રભાવથી ગ્રહણ કરવાની અને ધારણ કરવાની શક્તિ ઘટવાથી પુસ્તકની અનુજ્ઞા છે. આમ કાળની અપેક્ષાએ અસંયમ કે સંયમ જાણવા.
૭) તપ - ઇચ્છાનો નિરોધ કરવો તે તપ. તે બે પ્રકારે છે - (૧) બાહ્યતપ અને (૨) અત્યંતરતપ
(૧) બાહ્યતપ - બાહ્ય શરીર-ઇન્દ્રિયો વગેરે ઉપર જેની અસર થાય તે બાહ્યતપ, અથવા લોકોમાં પણ જેની તપ તરીકે ગણતરી થાય તે બાહ્યતપ, અથવા લોકો જાણી શકે એવો તપ તે બાહ્યતપ. તેના ૬ પ્રકાર છે - (સૂત્ર-૯/૧૯)
(i) અનશન - વિધિપૂર્વક આહારનો ત્યાગ કરવો તે અનશન. તે બે પ્રકારે છે -
(a) ઇત્વરકર્થિક અનશન - અલ્પકાળ માટે અશનાદિનો ત્યાગ તે ઇત્વરકથિક અનશન. દા.ત. નવકારશી, એકાસણું, ઉપવાસ વગેરે ૬ માસ સુધીનો તપ તે.
(b) યાવત્કથિક અનશન - જીવનના અંત સુધી અશનાદિનો ત્યાગ તે યાવત્કથિક અનશન. તે ત્રણ પ્રકારે છે -
(૧) પાદપોપગમન અનશન - ચારે પ્રકારના આહારના પચ્ચક્ખાણ કરીને વૃક્ષની જેમ હલન-ચલન કર્યા વિના, શુભધ્યાનપૂર્વક પ્રાણો જાય ત્યાં સુધી પડ્યા રહેવું તે પાદપોપગમન અનશન. તે બે પ્રકારે છે -
(i) સવ્યાઘાત - રોગથી મહાવેદના થવાથી વિદ્યમાન એવા આયુષ્યનું પણ જે ઉપક્રમણ કરાય તે સવ્યાઘાત પાદપોપગમન અનશન.
(ii) નિર્વ્યાઘાત - ચારિત્ર લીધા પછી છેલ્લી અવસ્થામાં જે કરાય તે નિર્વ્યાધાત પાદપોપગમન અનશન.