________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૫-૪૬
૪
ભાવાર્થ:
ભૂતજયનું ફળ - અણિમાદિની પ્રાપ્તિ
(૧) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે અણુસ્વરૂપ કરી શકે છે, તેથી પરમાણુ જેવા પોતાના દેહને કરીને પોતે ફરી શકે છે, તે અણિમાશક્તિ છે.
(૨) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે વજની જેમ ગુરુ કરી શકે છે, તે મહિમા શક્તિ છે.
(૩) ભૂતજયને કારણે યોગીના સંકલ્પને અનુસરનારી ભૂતપ્રકૃતિઓ થયેલી હોવાને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે રૂના પિંડની જેમ લઘુ કરી શકે છે, તેથી જલમાં પણ ચાલી શકે અને આકાશમાં પણ ચાલી શકે તે લઘિમા શક્તિ છે.
(૪) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને મોટું કરી શકે છે, તેથી અંગુલિના અગ્રભાગથી ચંદ્રાદિનો સ્પર્શ કરી શકે તેવી યોગ્યતા પ્રગટે છે, તે ગરિમા શક્તિ છે.
(૫) ભૂતજયને કારણે યોગીની ઇચ્છાનો અભિધાત થતો નથી અર્થાત્ યોગીની ઇચ્છા પ્રમાણે સર્વ ભૂતો વર્તે છે, તે પ્રાકમ્યશક્તિ છે.
(૬) ભૂતજયને કારણે પોતાના શરીર અને પોતાના અંતઃકરણ ઉપર યોગીનો પ્રભાવ વર્તે છે, તેથી યોગી ધારે તે પ્રમાણે પોતાના શરીરથી અને પોતાના અંતઃકરણથી પ્રવૃત્તિ કરી શકે છે, તે ઈશિત્વ શક્તિ છે.
(૭) ભૂતજયને કારણે યોગીમાં સર્વત્ર સમર્થપણું પ્રગટ થાય છે, તેથી સર્વે ભૂતો યોગીના વચનને અનુસરનારા બને છે, તે વશિત્વ શક્તિ છે.
(૮) ભૂતજયને કારણે યોગીને જે કૃત્ય અભિલષિત હોય તે કૃત્ય સમાપ્તિ સુધી કરવા યોગી સમર્થ બને છે, તે યત્રકામાવસાયિત્વ શક્તિ છે.
આ રીતે ભૂતજયને કારણે અણિમાદિ આઠ શક્તિઓ યોગીમાં પ્રાપ્ત થાય છે.
(૨) ભૂતજયનું ફળ :- કાયાની સંપત્તિ :
પાંચ ભૂતોના જયને કારણે યોગીને ઉત્તમ રૂપાદિસ્વરૂપ કાયસંપત્તિ પ્રાપ્ત થાય છે, તેથી યોગીનું રૂપ, લાવણ્ય, બળ અતિશયવાળું થાય છે અને વજ્ર જેવું સંઘયણ બળ થાય છે. આ સર્વ કાર્યો ભૂતજયનાં છે.
(૩) ભૂતજયનું ફળ :- કાયાના ધર્મોનો અનભિઘાત :
પાંચ ભૂતોના જયને કારણે કાયાના ધર્મો રૂપાદિ છે, તેનો નાશ થતો નથી, તેથી યોગીનું શરીર અગ્નિથી બળીને ભસ્મ થતું નથી, પાણીથી ભીંજાતું નથી અને વાયુથી શોષણ પામતું નથી. આ સર્વ કાર્યો ભૂતજયનાં છે. II૩-૪૫/૪૬