________________
૧૧૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૪ ટીકાર્ય :
યોનિઃ .... પરિપત્તિ | યોગીની સ્વયં નિર્માણ કરાયેલી કાયાઓમાં જે ચિત્તો છે તે મૂલકારણ એવા અસ્મિતામાત્રથી જ તેમની ઇચ્છા વડે યોગીની ઇચ્છા વડે, પ્રસરણ પામે છે અર્થાત્ તે તે કાયાઓમાં જુદા જુદા ચિત્તો પ્રસરણ પામે છે.
કેવી રીતે યોગીના એક ચિત્તમાંથી અસ્મિતાના કારણે જુદા જુદા ચિત્તો જુદી જુદી કાયામાં પ્રસરણ પામે છે તે સ્પષ્ટ કરે છે –
અગ્નિમાંથી જેમ અગ્નિના અનેક તણખાઓ એક સાથે પ્રસરે છે, તેમ યોગીના એક ચિત્તમાંથી એકી સાથે અનેક ચિત્તો પ્રસરણ પામે છે.
ભાવાર્થ :
અસ્મિતામાત્રથી નિમણિચિત્તોનું પ્રસરણ :
પાતંજલદર્શનકાર માને છે કે, બંધાયેલા કર્મો ભોગવ્યા વગર ક્યારેય નાશ પામતા નથી. જે યોગીને તત્ત્વનો પારમાર્થિક બોધ થયો છે તે યોગી આત્માની મુક્ત અવસ્થાની પ્રાપ્તિના અત્યંત અર્થી બને છે, તેથી ઘણા ભવોમાં ઉપાર્જિત કરાયેલા અને ઘણા ભવોની પ્રાપ્તિના કારણ એવા પોતાના કર્મોના ફળને એકી સાથે ભોગવવાની ઇચ્છાવાળા થાય છે.
વળી જે યોગીમાં એવી અતિશય વિભૂતિ પ્રગટેલી છે કે જેથી એકી સાથે અનેક શરીરનું નિર્માણ કરીને તે યોગી તે સર્વ કર્મોને ભોગવી શકે તેમ છે, તેથી તે યોગી સર્વ કર્મોના નાશ અર્થે એક ભવમાં અનેક શરીરનું નિર્માણ કરીને સર્વ કર્મોને ભોગવવા પ્રયત્ન કરે છે તે વખતે તે યોગી દ્વારા નિર્માણ કરાયેલા સર્વ શરીરોમાં તે શરીરની પ્રવૃત્તિનો નિયતા એવું જુદું ચિત્ત આવશ્યક બને છે, તેથી તે યોગીને જે અનેક શરીરનું નિર્માણ કરે છે તે જુદા જુદા શરીરોમાં જુદા જુદા ચિત્તો અસ્મિતામાત્રથી નિર્માણ થાય છે, એ પ્રકારે પાતંજલદર્શનકાર સ્વીકારે છે અને અસ્મિતામાત્રથી એક ચિત્તમાંથી અનેક ચિત્તો કઈ રીતે નિર્માણ થાય છે ? એમાં દષ્ટાંત બતાવે છે – અગ્નિના તણખાના પ્રસરની જેમ એક ચિત્તમાંથી અનેક ચિત્તનું પ્રસરણ :
અગ્નિની એક જવાલમાંથી અનેક સ્ફલિંગો પ્રગટે છે. અર્થાત્ અનેક અગ્નિના કણીયાઓ પ્રગટે છે તેમ યોગીના એક ચિત્તમાંથી અસ્મિતાના કારણે એક સાથે અનેક ચિત્તોનું નિર્માણ થાય છે, તેથી તે ચિત્તો દ્વારા તે યોગી શુકરાદિના શરીરો કરીને તે સર્વ કર્મોને એક સાથે ભોગવીને કર્મથી મુક્ત બને છે, આ પ્રકારની મુક્ત થવા વિષયક પાતંજલદર્શનકારની પ્રક્રિયા છે.
આ કથન અત્યંત અસમંજસ છે. આનું નિરાકરણ પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ૨૫મી કલેશતાનોપાયબત્રીશીના ૩૧મા શ્લોકની ટીકામાં કરેલ છે. ll૪-૪ll