________________
૨૧૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩
જે અવસ્થામાં આત્મામાં પ્રગટ થયેલ સુખ છે અને તેનો અનુભવ કરનાર આત્મા છે, તે જ અવસ્થામાં દુ:ખનો અનુભવ કરનાર આત્મા હોઈ શકે નહીં, તેથી આત્માને કર્તા-ભોક્તા સ્વીકારીએ તો ભિન્ન ક્ષણોમાં આત્મા સુખનો અનુભવ કરનાર છે અને ભિન્ન ક્ષણોમાં આત્મા દુઃખનો અનુભવ કરનાર છે એમ સિદ્ધ થાય અને આત્માની સુખ-દુઃખાદિ અવસ્થા જુદી સ્વીકારીએ તો તે અવસ્થાવાળા આત્માનું પણ જુદાપણું સિદ્ધ થાય અને આત્માનું ભિન્ન ભિન્ન ક્ષણોમાં જુદાપણું સ્વીકારીએ તો આત્માનું પરિણામીપણું પ્રાપ્ત થાય અને આત્માનું પરિણામીપણું પ્રાપ્ત થાય તો આત્માને સદા એકસ્વરૂપ આત્મપણું રહે નહીં અને આત્માનું નિત્યપણું રહે નહીં, તેથી શાંત બ્રહ્મવાદી એવા સાંખ્યદર્શનકારે આત્માને સદા જ=સંસારદશામાં અને મોક્ષદશામાં હંમેશા જ, એકરૂપ સ્વીકારેલ છે અને તે એકરૂપ છે તેનો સ્વીકાર તો જ થઈ શકે કે બુદ્ધિમાં પ્રતિબિંબ પડતો એવો આત્મા સ્વયં કર્તા કે ભોક્તા નથી પરંતુ આત્માના પ્રતિબિંબવાળી બુદ્ધિ કર્તા અને ભોક્તા છે, ફક્ત બુદ્ધિથી આત્માનો ભેદ છે, તેવા જ્ઞાનના અભાવને કારણે આત્મા કર્તા છે, ભોક્તા છે તેવો ભ્રમ થાય છે. એ પ્રમાણે સાંખ્યદર્શનકાર સ્થાપન કરે છે.
રાજમાર્તડવૃત્તિકારે ટીકામાં કહ્યું કે શાંતબ્રહ્મવાદી એવા સાંખો વડે આત્મા સદા એકરૂપ સ્વીકારાય છે ત્યાં સાંખ્યનું વિશેષણ શાંતબ્રહ્મવાદી બતાવવાથી એ જણાય છે કે, બ્રહ્મસ્વરૂપ આત્મા છે અને તે આત્મા સદા ચિન્માત્રમાં અવસ્થાન હોવાથી શાંત છે, સંસારની પ્રવૃત્તિ કરવારૂપ કોલાહલવાળો નથી, સંસારની પ્રવૃત્તિ કરવારૂપ કોલાહલ કરનાર પ્રકૃતિ છે, તેમ સાંખ્યદર્શનકાર માને છે માટે આત્માને શાંત બ્રહ્મ સ્વીકારનાર સાંખ્યદર્શનકાર છે તેથી તેનું વિશેષણ શાંતબ્રહ્મવાદી આપ્યું છે. ઉત્થાન :
સાંખ્યદર્શનકારે બૌદ્ધદર્શનની માન્યતા યુક્ત નથી એમ સ્થાપન કરીને આત્માનું પારમાર્થિક કર્તૃત્વ, ભોસ્તૃત્વ નથી તેમ યુક્તિથી સ્થાપન કર્યું, અને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે તેના કારણે સંસારદશામાં આત્માનું કર્તૃત્વ, ભોસ્તૃત્વ, અનુસંધાતૃમમત્વ પ્રતીત થાય છે, તેમ સ્થાપન કર્યું. હવે વેદાંતવાદીઓ જે પ્રકારે આત્માને સ્વીકારે છે અને સંસારની વ્યવસ્થાની સંગતિ કરે છે, તે યુક્ત નથી તેમ બતાવીને પોતાના દર્શનને અભિમત વ્યવસ્થા સ્વીકારવાથી સંસારદશામાં કર્તૃત્વ, ભોસ્તૃત્વ અને અનુસંધાતૃત્વમય આત્મા પ્રતીત થાય છે, તેની સંગતિ થાય છે તે બતાવવા અર્થે કહે છે –
ટીકા :
ये तु वेदान्तवादिनश्चिदानन्दमयत्वमात्मनो मोक्षे मन्यन्ते तेषां न युक्तः पक्षः, तथाहिआनन्दस्य सुखरूपत्वात् सुखस्य च सदैव संवेद्यमानतयैव प्रतिभासात् संवेद्यमानत्वं च संवेदनव्यतिरेकेणानुपपन्नमिति संवेद्यसंवेदनयोरभ्युपगमादद्वैतहानिः, अथ सुखात्मकत्वमेव तस्योच्येत-तद्विरुद्धधर्माध्यासादनुपपन्नम्, न हि संवेदनं संवेद्यं चैकं भवितुमर्हति,