________________
૨૧૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ થાય છે, તેનું કારણ પ્રકૃતિથી પોતાનો ભેદ છે, તેનું આત્માને અગ્રહણ છે અને આવો ભોગ્યભોક્તત્વસંબંધ વિદ્યમાન હોય ત્યારે પ્રકૃતિમાં પુરુષના પ્રયોજનની કર્તવ્યતારૂપ શક્તિદ્વય વિદ્યમાન હોય છે અર્થાત્ પુરુષનો ભોગસંપાદન કરવો અને પુરુષનો અપવર્ગસંપાદન કરવો એ રૂપ બે શક્તિ વિદ્યમાન હોય છે, તેના કારણે પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિ ભાવોની પરિણતિ પ્રગટે છે અને જ્યારે મહદાદિભાવોની પરિણતિ વર્તે છે ત્યારે આત્માનો બુદ્ધિમાં સંયોગ થવાના કારણે આત્માનું પોતાની ચિત્કાયાનું બુદ્ધિને સમર્પણ કરે તેવા સામર્થ્યરૂપ અધિષ્ઠાતૃપણું છે અને બુદ્ધિનું પોતાનામાં સંક્રાંત એવી ચિત્કાયાના ગ્રહણનું સામર્થ્ય છે અને ચિત્ઝાયાની સંક્રાંતિના કારણે બુદ્ધિને ‘આ કૃત્યો હું કરું છું, આ કૃત્યોનું ફળ હું ભોગવું છું', એ પ્રકારનો અધ્યવસાય થાય છે, અને તેના કારણે આ કૃત્ય મેં કરેલું, તેનું ફળ મને મળ્યું એ પ્રકારનું સર્વ પ્રવૃત્તિઓમાં અનુસંધાનપૂર્વક વ્યવહાર સંગત થાય છે માટે આત્મા જ્ઞાનક્ષણરૂપ છે ઇત્યાદિ નિરર્થક કલ્પના કરવી ઉચિત નથી, પરંતુ અનુભવથી દેખાતી વ્યવસ્થાની સંગતિ થાય તે રીતે આત્માનું સ્વરૂપ સ્વીકારવું ઉચિત છે એ પ્રકારનો પાતંજલદર્શનકારનો આશય છે.
વળી પૂર્વમાં પાતંજલદર્શનકારે સ્થાપન કર્યું કે સંસારદશામાં પ્રકૃતિનો કર્તૃત્વ-ભોક્તભાવ છે છતાં પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે માટે પ્રકૃતિના અને પુરુષના અભેદના જ્ઞાનને કારણે પુરુષને સંસારઅવસ્થામાં કર્તૃત્વ અને ભોક્તત્વની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, પરંતુ આત્માનું પારમાર્થિક કતૃત્વાદિ નથી, એ કથનને દઢ કરવા અર્થે કહે છે –
આત્માનું પારમાર્થિક કતૃત્વાદિ સ્વીકાર કરવામાં આત્માના પરિણામીપણાનો પ્રસંગ અને પરિણામીપણું હોવાથી અનિત્યપણામાં આત્માનું આત્મપણું અસંગત :
જો આત્માનું પારમાર્થિક કતૃત્વાદિ સ્વીકારવામાં આવે તો આત્માનું પરિણામીપણું માનવાનો પ્રસંગ આવે; કેમ કે આત્મા જે કાળમાં તે ક્રિયા કરે છે ત્યારે તે ક્રિયાના પરિણામવાળો છે, અન્ય કાળે તે ક્રિયાના ફળને ભોગવે છે ત્યારે તે ફળ ભોગવવાના પરિણામવાળો છે, વળી અન્ય કાળે અન્ય અન્ય ક્રિયા કરે છે ત્યારે તે ક્રિયાને અનુરૂપ અન્ય અન્ય પરિણામવાળો છે તેમ માનવું પડે અને આત્માને પરિણામી માનવામાં આવે તો આત્માને અનિત્ય સ્વીકારવો પડે, અને આત્મા અનિત્ય હોય તો તેનું આત્મત્વ જ રહે નહીં.
કેમ આત્માને પરિણામી અને અનિત્ય સ્વીકારીએ તો આત્મામાં આત્મત્વ રહે નહીં તે સ્પષ્ટ કરવા અર્થે પાતંજલદર્શનકાર યુક્તિ બતાવે છે –
આત્માની અવસ્થાના જુદા જુદાપણાના કારણે તેનાથી અભિન્ન એવા અવસ્થાવાળાનું પણ જુદા જુદાપણું પ્રાપ્ત થતું હોવાના કારણે આત્માનું પરિણામીપણું થવાથી આત્માના આત્મત્વની અસંગતિઃ
એક જ સમયમાં એક જ રૂપથી પરસ્પર વિરુદ્ધ અવસ્થાનો અનુભવ સંભવતો નથી. કેમ સંભવતો નથી ? તે સ્પષ્ટ કરે છે