________________
૧૧૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩ આશય એ છે કે, પાતંજલમતાનુસાર પૂર્વમાં બંધાયેલું કર્મ ઉત્તરના ભાવમાં વિપાકમાં આવે છે અને તે પ્રમાણે તે જીવનો ઉત્તરનો ભવ થાય છે, તેથી પૂર્વભવમાં બંધાયેલા કર્મના કાર્યરૂપ ઉત્તરભવનું જીવન છે અને તે પ્રમાણે વિચારીએ તો નંદીશ્વરાદિએ ઈશ્વરની ભક્તિરૂપ ધર્માદિનું જે સેવન કર્યું, તે પણ પૂર્વભવની બંધાયેલી પ્રકૃતિનું કાર્ય છે, અને તેનાથી વર્તમાનની મનુષ્યભવની પ્રકૃતિ દેવભવરૂપે અર્થાતરપરિણામ પામે છે, તેમ સ્વીકારીએ તો પૂર્વભવના પ્રકૃતિના કાર્યરૂપ ધર્માદિથી પૂર્વભવમાં બંધાયેલી પ્રકૃતિરૂપ કારણ અન્ય પરિણામરૂપે પ્રવર્તે છે તેમ માનવું પડે.
વસ્તુતઃ કાર્યથી કારણ પ્રવર્તતનું નથી પરંતુ કારણથી કાર્ય થાય છે માટે પૂર્વભવના કર્મોના કૃત્યરૂપ વર્તમાનભવના નંદીશ્વરાદિના ધર્માદિકૃત્યો રૂપ કાર્યો મનુષ્યાદિ જાતિરૂપ પ્રકૃતિને દેવાદિજાતિરૂપ પ્રકૃતિરૂપે પરિણામ પમાડી શકે નહીં.
અહીં પ્રશ્ન થાય કે, તો પછી નંદીશ્વરાદિએ કરેલ ઈશ્વરની ભક્તિ આદિથી જે ધર્માદિ થયા તેનો વ્યાપાર ક્યાં છે? એથી કહે છે –
નંદીશ્વરાદિએ ઈશ્વરની ભક્તિરૂપ જે ધર્માનુષ્ઠાન કર્યું તે અનુષ્ઠાનથી વિશિષ્ટ જાતિ આદિની પ્રાપ્તિમાં આવારક એવા અધર્માદિરૂપ જે વરણ છે, તેનો ક્ષય થાય છે, એથી દેવભવની પ્રાપ્તિમાં આવરણરૂપ જે મનુષ્યભવની જાતિનું કારણ એવી પ્રકૃતિ, તેના ઈશ્વરની ભક્તિરૂપ અનુષ્ઠાનથી ક્ષય થવાને કારણે દેવાદિભવને અનુકૂળ એવી વિશિષ્ટ જાતિ આદિનો પરિણામ જે પૂર્વના જ ભવમાં બંધાયેલ છતાં મનુષ્યજાતિના કર્મને કારણે કાર્ય કરવા અપ્રવૃત્ત હતું તે પ્રગટ થાય છે.
આ કથનને દષ્ટાંતથી ભાવન કરે છે –
જેમ - ખેડૂત ખેતરમાં જુદા જુદા ક્યારામાં જલનું સિંચન કરવા અર્થે તેના આવાગમનના સ્થાને જલ નાંખે છે અને એક ક્યારામાં પ્રમાણોપેત જલ સિંચન કર્યા પછી બીજા ક્યારામાં જલ લઈ જવા માટે પૂર્વમાં બીજા ક્યારામાં જલ ન જાય તે માટે પ્રતિબંધક એવું માટીનું વરણ કરેલ તેનો ભેદ માત્ર કરે છે, તેથી તે પ્રતિબંધક વરણનો ભેદ થવા માત્રથી જલ સ્વયં પ્રસરણ પામતું અન્ય ક્યારામાં જાય છે, પરંતુ જલને અન્ય ક્યારામાં લઈ જવા માટે ખેડૂતને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. તેમ - નંદીશ્વરાદિએ ભગવદ્ભક્તિ આદિ દ્વારા વર્તમાનભવમાં જે હીન જાતિ આદિનો પરિણામ હતો, તેનો ઈશ્વરની ભક્તિ આદિરૂપ ધર્મથી ભેદ કર્યો, તેના કારણે દેવભવ જેવા સુખોને આપે તેવી જાતિ જે પૂર્વમાં બંધાયેલી તે સ્વતઃ વિપાકમાં આવે છે, પરંતુ ઈશ્વરભક્તિરૂપ ધર્મના સેવનથી તે દેવભવની જાતિયોગ્ય કર્મ બંધાતું નથી; કેમ કે પાતંજલમતાનુસાર પૂર્વભવમાં બંધાયેલું જાતિ, આયુષ્ય અને ભોગરૂપ કર્મ ઉત્તરના ભવમાં ભવના પ્રારંભથી માંડીને ભવના અંત સુધી વિપાકમાં આવે છે, એ પ્રકારનો નિયમ છે અને પૂર્વભવમાં જેમ મનુષ્યભવની જાતિ આદિરૂપ ભોગકર્મ બંધાયેલું તેમ દેવભવને અનુરૂપ જાતિ આદિરૂપ કર્મ પણ નંદીશ્વરાદિ દ્વારા બંધાયેલું, આમ છતાં મનુષ્યભવની જાતિ આદિરૂપ કર્મ ફળને અભિમુખ હોવાથી દેવભવના ભોગો આપે તેવા જાતિ આદિ કર્મો ફળને અભિમુખ થતાં નથી અને ઈશ્વરની ભક્તિથી દેવભવને અભિમુખ ફળ આપવામાં પ્રતિબંધક એવા મનુષ્યજાતિ આદિના કર્મોનો ભેદ થવાથી દેવભવને યોગ્ય જાતિ આદિ કર્મો સ્વતઃ ફળ આપે છે. ll૪-૩