________________
૧૪૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૫ ઉપયોગવાળો છે ત્યારે પણ તે ઘટાદિ પદાર્થ ઉપલબ્ધ થાય છે, એથી ચિત્તના કાર્યરૂપ બાહ્ય વસ્તુ નથી એમ પાતંજલદર્શનકાર કહે છે.
ઉપરોક્ત પાતંજલદર્શનકારે કહેલા કથનમાં ‘અથ'થી બૌદ્ધદર્શનવાદી કહે છે –
ઘટાદરૂપ અર્થ એક સાથે ઘણા વડે કરાય છે અર્થાત્ જેટલા પુરુષો ઘટના જ્ઞાનવાળા છે તે સર્વના ચિત્ત વડે તે ઘટરૂપ અર્થ કરાયો છે માટે કોઈ એક પુરુષ અન્ય ઉપયોગવાળો હોય તોપણ તે અન્ય પુરુષોના ચિત્તથી નિર્માણ કરાયેલો ઘટ અન્ય પુરુષોને દેખાય છે, પરંતુ તે પુરુષોના જ્ઞાનથી અતિરિક્ત ઘટ વસ્તુ નથી. આ પ્રમાણે બૌદ્ધદર્શનવાદી કહે છે.
બૌદ્ધદર્શનવાદી એ જે ઉપરમાં કહ્યું તેને પાતંજલદર્શનકાર કહે છે કે, જો ઘણાના ચિત્તથી તે ઘટ નિર્માણ કરાયેલો હોય તો એકના ચિત્તથી નિર્માણ કરાયેલા ઘટાદિથી ઘણાના ચિત્તથી નિર્માણ કરાયેલા ઘટાદિનું વિલક્ષણપણું થવું જોઈએ તો જ ચિત્તરૂપ ઘટ છે તેની સંગતિ બૌદ્ધદર્શનકાર કરી શકે.
આશય એ છે કે, કોઈ એક વ્યક્તિએ એક ઘટને જોયો તે વ્યક્તિના ચિત્તરૂપ તે ઘટ હોય તો તે એક વ્યક્તિથી જોવાયેલો ઘટ ત્યારપછી તે જોનાર વ્યક્તિ અને અન્ય વ્યક્તિ તે બંનેથી તે ઘટ દેખાય ત્યારે તે ઘટ પૂર્વ કરતાં વિલક્ષણ દેખાવો જોઈએ; કેમ કે પહેલાં એક ચિત્તથી નિર્માણ થયેલો તે ઘટ હતો પછી એકથી અધિક વ્યક્તિના ચિત્તથી નિર્માણ થયેલો તે ઘટ છે માટે તે ઘટમાં વિલક્ષણતા પ્રાપ્ત થવી જોઈએ અને તેવું વિલક્ષણપણું અનુભવથી દેખાતું નથી માટે ચિત્તના ઉપયોગથી અતિરિક્ત ઘટની સામગ્રીથી ઉત્પન્ન થયેલો ઘટ છે તેમ બૌદ્ધદર્શનકારે સ્વીકારવું જોઈએ. એ પ્રકારનો પાતંજલદર્શનકારનો આશય છે. કારણભેદ હોવા છતાં કાર્યભેદ ન સ્વીકારીએ તો નિર્દેતુક અથવા એકરૂપ જગત થવા સ્વરૂપ બૌદ્ધદર્શનકારને આપત્તિ :
હવે જો એક ચિત્તરૂપ વ્યક્તિથી દેખાયેલો તે ઘટ હોય અને ત્યારપછી અનેકથી જોવાયેલો ઘટ હોય અને તે વિલક્ષણ નથી, એ પ્રકારના અનુભવને બળથી બૌદ્ધદર્શનકાર કહે કે ચિત્તથી અતિરિક્ત ઘટાદિ નહિ હોવા છતાં એક ચિત્તથી નિર્માણ થયેલા ઘટમાં અને અનેક ચિત્તથી નિર્માણ થયેલાં ઘટમાં વિલક્ષણતા નથી. તો એ પ્રાપ્ત થાય છે, કારણભેદ હોવા છતાં પણ કાર્યના ભેદનો અભાવ છે અર્થાત્ એક ચિત્તરૂપ કારણથી ઉત્પન્ન થયેલો ઘટ અને અનેક ચિત્તરૂપ કારણથી ઉત્પન્ન થયેલો ઘટ એ બંને વચ્ચે કાર્યભેદનો અભાવ છે, અને તેમ સ્વીકારીએ તો કારણના ભેદથી કાર્યભેદ થતો નથી તેમ માનવું પડે, તેથી નિર્દેતુક કાર્ય થાય છે તેમ માનવાની આપત્તિ આવે, અથવા કારણનો ભેદ હોવા છતાં જો કાર્યનો ભેદ પ્રાપ્ત થતો ન હોય તો જગતમાં ભિન્ન ભિન્ન કારણોથી પણ સર્વત્ર એકરૂપ કાર્ય થવાની આપત્તિ આવે.
આ કથનને સ્પષ્ટ કરતાં રાજમાર્તડ ટીકાકાર કહે છે –