________________
૧૮૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
વળી પાતંજલદર્શનકાર કહે છે કે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ છે અને તેમાં આત્માનું પ્રતિબિંબ પડે છે, તેથી સંસારી જીવોની બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડેલું હોવાથી સંસારી જીવોનો આત્મા બિંબ છે અને તેનું પ્રતિબિંબ બુદ્ધિમાં છે અને પાતંજલમતાનુસાર તે બિંબરૂપ આત્મા નિર્લેપ છે; કેમ કે જો આત્માને નિર્લેપ ન સ્વીકારીએ તો આત્માના કૂટસ્થપણાની હાનિ થાય તેમ પતંજલિઋષિ કહે છે. તેનું સમાધાન આપતાં પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે – બિંબભૂત એવા ચિતરૂપ આત્માનું નિર્લેપપણું સ્વીકાર કરાયે છતે બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબના ગ્રાહકપણારૂપે પ્રકાશની પણ અનુપપત્તિ :
બિંબભૂત એવા ચિતરૂપ આત્માનું નિર્લેપપણું સ્વીકાર કરાયે છતે બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબના ગ્રાહકપણારૂપે પ્રકાશની પણ ઉપપત્તિ થઈ શકે નહીં.
કેમ પ્રતિબિબના પ્રકાશની ઉપપત્તિ બુદ્ધિમાં થઈ શકે નહિ ? તેમાં હેતુ કહે છે – બિંબ-પ્રતિબિંબભાવરૂપ સંબંધનું દ્વિષ્ઠપણું હોવાને કારણે બંનેના પણ લેપકત્વનું તુલ્યપણું :
બિંબ-પ્રતિબિંબભાવનો સંબંધ બંનેમાં હોવાથી બંનેનું લેપકપણું સમાન છે. આશય એ છે કે, દર્પણમાં સન્મુખ રહેલી વસ્તુનું પ્રતિબિંબ પડે છે, તેથી સન્મુખ રહેલી વસ્તુરૂપ બિંબ અને દર્પણમાં પડેલું પ્રતિબિંબ તે બંનેમાં બિંબ-પ્રતિબિંબભાવ સંબંધ છે, આ બિંબ-પ્રતિબિંબભાવરૂપ સંબંધ માત્ર દર્પણ સન્મુખ રહેલી વસ્તુમાં નથી, પરંતુ દર્પણને સન્મુખ રહેલી વસ્તુ અને દર્પણમાં પડતા પ્રતિબિંબ બંને વચ્ચે બિંબ-પ્રતિબિંબભાવ સંબંધ છે, તેથી બિંબભૂત વસ્તુથી દર્પણ લેપાય છે અને દર્પણમાં પ્રતિબિંબભાવથી બિબ પણ લેવાય છે, તેથી દર્પણમાં અને દર્પણ સન્મુખ રહેલી વસ્તુમાં પરસ્પર એકબીજાના ભાવોને ગ્રહણ કરવારૂપ લેપ સમાન છે. તેમ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ સ્વીકારીએ તો પુરુષને પણ લેપવાળો સ્વીકારવો જોઈએ અને જો પુરુષ લપાતો ન હોય તો તેનું પ્રતિબિંબગ્રાહકપણું બુદ્ધિમાં પ્રાપ્ત થાય નહીં, તેથી બુદ્ધિમાં પુરુષના પ્રતિબિંબરૂપ જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, એમ જે પાતંજલદર્શનકાર કહે છે તેની ઉપપત્તિ થઈ શકે નહીં.
વળી જો પાતંજલદર્શનકારને બુદ્ધિ પુરુષના પ્રતિબિંબને ગ્રહણ કરે છે, તેમ સ્વીકારવું હોય તો પુરુષને નિર્લેપ સ્વીકારી શકે નહીં પરંતુ પુરુષને સલેપ જ સ્વીકારવો જોઈએ, તો જ સંસારી જીવો બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને સલેપવાળા છે એમ પ્રાપ્ત થાય અને મુક્ત આત્માઓ બુદ્ધિમાં પ્રતિબિંબિત નહિ હોવાના કારણે નિર્લેપવાળા છે તેમ સંગત થાય.
અહીં પાતંજલદર્શનકાર કહે કે બિંબભૂત એવો આત્મા નિર્લેપ છે, તેથી ‘ઘટાદિ પદાર્થોનું દર્પણમાં પ્રતિબિંબ પડે છે' તેવું પ્રતિબિંબ આત્માનુ બુદ્ધિમાં પડતું નથી પરંતુ આત્માનું ઉપચરિત બિંબ– છે, તેથી આત્માને નિર્લેપ સ્વીકારવા છતાં આત્માનું ઉપચરિત બિબત્વ સ્વીકારીને તેના પ્રતિબિંબગ્રાહકપણારૂપે બુદ્ધિમાં આત્માનો પ્રકાશ છે તેમ કહી શકાશે. તેનો ઉત્તર આપતાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –