________________
૦૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૯ પરિણામરૂપ ભાવોનું જ, યથાવત્ વિવેકજ્ઞાન સર્વજ્ઞાતૃપણું છે, અને આમને-સર્વભાવ અધિષ્ઠાતૃત્વનું અને સર્વજ્ઞાતૃત્વનું આ શાસ્ત્રમાં પર એવી વશીકારસંજ્ઞા પ્રાપ્ત થયે છતે યોગીને વિશોકા નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એમ કહેવાય છે. ll૩-૪૯ll ભાવાર્થ : અંતઃકરણજયનું ફળ-સત્ત્વપુરુષની અન્યતાખ્યાતિ માત્રમાં રહેલા યોગીને સર્વજ્ઞપણાની અને સર્વભાવોના અધિષ્ઠાતૃપણાની પ્રાપ્તિ :
ઇન્દ્રિયજયના કારણે અંતઃકરણ ઉપર જય પ્રાપ્ત થાય ત્યારપછી સત્ત્વની અને પુરુષની અન્યતાખ્યાતિમાં યોગી સ્થિત થાય છે ત્યારે યોગીને સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થાય છે, તેથી જયાં સુધી અભ્યસ્યમાન અન્યતાખ્યાતિ હોય ત્યાં સુધી સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થતું નથી, પરંતુ કર્તુત્વના અભિમાનના શિથિલીભાવરૂપ સત્ત્વની અને પુરુષની અન્યતાખ્યાતિમાં જયારે યોગી સ્થિત થાય છે, ત્યારે સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થાય છે
અન્યતાખ્યાતિ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – અન્યતાખ્યાતિનું સ્વરૂપ :
સત્ત્વ અને પુરુષ એ બંને જુદા છે, એ પ્રકારનો જે બોધ તે અન્યતાખ્યાતિ છે અર્થાત્ સત્ત્વ બુદ્ધિ, અને પુરુષ એ બેની અન્યતાનો બોધ તે અન્યતાખ્યાતિ છે. યોગીને આ અન્યતાખ્યાતિ થવાને કારણે ગુણમાં કર્તુત્વનું અભિમાન હતું તે શિથિલ થાય છે અર્થાત્ બુદ્ધિમાંથી ઉત્પન્ન થતા જે ભાવો છે, તેમાં પુરુષને કર્તુત્વનું અભિમાન થાય છે; કેમ કે બુદ્ધિથી પોતે અભિન્ન છે તેવો પુરુષને બોધ હોય છે, તેથી બુદ્ધિ જે કરે છે તે હું કરું છું, તેવું પુરુષને અભિમાન થાય છે; અને જયારે બુદ્ધિથી પુરુષ એવો હું જુદો છું, તેવું જ્ઞાન થાય છે, ત્યારે અન્યતાખ્યાતિ પ્રગટે છે, તેથી ગુણોના કર્તુત્વનું અભિમાન શિથિલ થાય છે અને શુદ્ધ સાત્ત્વિકપરિણામરૂપ અન્યતાખ્યાતિમાં યોગી સ્થિત થાય છે, જેથી યોગીને યથાવત્ વિવેકવાળું જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞપણું પ્રગટ થાય છે.
સર્વજ્ઞપણું શું છે ? તે બતાવતાં કહે છે – સર્વજ્ઞપણાનું સ્વરૂપ :
સર્વ પદાર્થોમાં ત્રણ ભાવો છે : (૧) શાંત, (૨) ઉદિત અને (૩) અવ્યપદેશ્ય. જે ભૂતકાળના ભાવો છે તે વર્તમાનમાં શાંત છે, વર્તમાનના ભાવો વર્તમાનમાં ઉદિત છે, અને ભવિષ્યમાં થનારા ભાવો વર્તમાનમાં અવ્યપદેશ્ય છે, તેથી ભૂતકાળના વર્તમાનમાં શાંત ભાવોથી, વર્તમાનના ઉદિત ભાવોથી, અને ભવિષ્યના વર્તમાનમાં અવ્યપદેશ્યભાવોથી સ્થિત એવા ભૂત-ભાવિ-વર્તમાનના સર્વ પદાર્થોનું યથાર્થજ્ઞાન થાય છે, તે સર્વજ્ઞપણું છે.