________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧
૧૦૯
હવે આ સર્વ સિદ્ધિઓ પૂર્વજન્મમાં અભ્યસ્ત સમાધિના બળથી કેટલાક જીવોને જન્માદિ નિમિત્ત માત્રથી થાય છે તેમ બતાવે છે. તેથી એ ફલિત થાય છે કે, જેમને જન્માદિ નિમિત્ત સિદ્ધિઓ થાય છે તે પણ પૂર્વભવના સમાધિના અભ્યાસથી થાય છે માટે સમાધિનો અભ્યાસ જ બળવાન છે, અને સમાધિથી થનારી સિદ્ધિઓ જ પ્રધાન છે. સમાધિથી થનારી સિદ્ધિઓના બળથી યોગીઓ સર્વકર્મરહિત કૈવલ્યને પ્રાપ્ત કરે છે તે બતાવવા માટે પ્રસ્તુત સૂત્રમાં સમાધિથી અતિરિક્ત અન્ય પણ નિમિત્તથી સિદ્ધિઓ થાય છે તે બતાવે છે.
જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિથી ઉત્પન્ન થયેલી સિદ્ધિઓ :
જન્મસિદ્ધિ : કેટલીક સિદ્ધિઓ જન્મનિમિત્તક છે જેમ પક્ષીઓને આકાશગમનાદિ સિદ્ધિઓ છે. આ પ્રકારની સિદ્ધિમાં જન્માંતર સમાધિ કારણ નથી તોપણ સિદ્ધિશબ્દથી ઉલ્લેખ કરેલ છે, તેથી બતાવે છે
મુખ્ય તો જન્મનિમિત્તે જે સિદ્ધિ થાય છે તેમાં પૂર્વજન્મનો સમાધિનો અભ્યાસ જ કારણ છે. જેમ-કપિલમહર્ષિ વગેરેને જન્મતાની સાથે જ જ્ઞાનાદિ સાંસિદ્ધિક ગુણો પ્રગટેલા જે પૂર્વભવના સમાધિના અભ્યાસથી અને જન્મના નિમિત્તમાત્રથી પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ છે.
ઔષધિસિદ્ધિ : કેટલીક સિદ્ધિઓ ઔષધિના સેવનથી થાય છે. જેમ પારદ=પારો વગેરે રસાયણના ઉપયોગથી અનેક સિદ્ધિઓ થાય છે. પારદાદિ રસાયણના ઉપયોગથી અનેક સિદ્ધિઓ થાય છે ત્યાં પણ તે ઔષધિ નિમિત્તમાત્ર છે, પરંતુ જન્માંતરમાં સેવન કરેલ સમાધિ જ તે સિદ્ધિમાં પ્રધાન કારણ છે. આથી જ બ્રાહ્મી આદિ ઔષધિના સેવનથી વિશિષ્ટ જ્ઞાનાદિ થાય છે ત્યાં પણ યોગમાર્ગને અનુકૂળ એવા વિશિષ્ટ જ્ઞાનાદિ જન્માંત૨માં સમાધિના અભ્યાસથી થાય છે.
મંત્રસિદ્ધિ : કેટલાક જીવોને મંત્ર જપથી આકાશગમનાદિ સિદ્ધિ થાય છે, ત્યાં પણ મંત્રનો જપ નિમિત્ત કારણ છે. મુખ્યપણે જન્માંત૨માં સેવેલ સમાધિ જ તેમાં કારણ છે.
તપસિદ્ધિ : કેટલાક જીવોને તપથી સિદ્ધિ થાય છે. જેમ વિશ્વામિત્ર વગેરેને તપ કરવાથી અનેક સિદ્ધિઓ પ્રગટ થયેલી આ તપસિદ્ધિમાં પણ તપ નિમિત્ત કારણ છે. મુખ્યપણે જન્માંતરમાં સેવેલ સમાધિ જ કારણ છે.
સમાધિસિદ્ધિ : સમાધિથી થનારી સિદ્ધિઓ ત્રીજા સમાધિ પાદમાં બતાવેલી છે.
સર્વ સિદ્ધિ પ્રત્યે જન્માંતરમાં અભ્યસ્ત સમાધિ મુખ્ય કારણ :
આ સર્વ પ્રસ્તુત સૂત્રમાં બતાવેલી જન્માદિથી થનારી સિદ્ધિઓ પૂર્વભવમાં યોગમાર્ગના સેવનથી ક્ષય થયેલા ક્લેશવાળા જ જીવોને થાય છે, તેથી જેમ સમાધિથી થનારી સિદ્ધિ જન્માંત૨માં અભ્યાસ કરેલ સમાધિથી થાય છે તેમ જન્મ, ઔષધિ, મંત્ર અને તપથી થનારી સિદ્ધિઓ પણ જન્માંતરમાં અભ્યાસ કરેલ સમાધિથી થાય છે. મંત્રાદિ કે જન્માદિ તે સિદ્ધિ પ્રાપ્ત થવામાં નિમિત્તમાત્ર બને છે. ||૪-૧||