________________
૯૩
થ થાય છે
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ. સા.ની ટિપ્પણી ઉત્પન થયેલ જ્ઞાનવાળાને કે તેના અભાવવાળાને “સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય છે પ્રકૃતિથી પૃથ એવા કેવલ પુરુષની પ્રાપ્તિ છે” એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર ૩-૫૫ ઉપર ભાષ્યકારનું વચન છે એ પણ અયુક્ત છે; કેમ કે વિવેકથી ઉત્પન થનારા કેવલજ્ઞાન વગર ઉક્ત શુદ્ધિના સામ્યની જ અનુપપત્તિ છે. ભાવાર્થ : વિવેકથી ઉત્પન્ન થનારા કેવલજ્ઞાન વગર સત્ત્વ અને પુરુષની શુદ્ધિના સામ્યની અનુપપત્તિ:
પાતંજલ યોગસૂત્ર ૩-૫૫માં કહેલ છે કે સત્ત્વની અને પુરુષની શુદ્ધિનું સામ્ય થાય ત્યારે પુરુષ મુક્ત બને છે અર્થાત્ કેવલ બને છે અને સત્ત્વની શુદ્ધિનો અર્થ કર્યો છે કે બુદ્ધિમાં રહેલો સત્ત્વભાવ જયારે પ્રકર્ષવાળો થાય છે ત્યારે બુદ્ધિને સર્વપ્રકારના કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થાય છે, તેથી તે બુદ્ધિરૂપ સત્ત્વ સ્વકારણમાં પ્રકૃતિરૂપ કારણમાં, અનુપ્રવેશ પામે છે તે સત્ત્વની શુદ્ધિ છે અને પુરુષનો જે ઉપચરિત ભોગ છે તેનો અભાવ થાય ત્યારે પુરુષની શુદ્ધિ થાય છે, આ બંને શુદ્ધિ સમાન પ્રાપ્ત થાય ત્યારે પુરુષનો મોક્ષ થાય છે.
આ પાતંજલયોગસૂત્ર ૩-૫૫નો અર્થ કરતાં ભાષ્યકાર વ્યાસમુનિ કહે છે કે કોઈ યોગી ઐશ્વર્યવાળા હોય અર્થાત્ પૂર્વમાં વર્ણન કર્યું એવી લબ્ધિરૂપ ઐશ્વર્યવાળા હોય, કોઈ યોગી અનેશ્વર્યવાળા હોય અર્થાત્ લબ્ધિરૂપ ઐશ્વર્ય વગરના હોય, કોઈ યોગીને વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન હોય અર્થાત્ પ્રકૃતિથી પોતે ભિન્ન છે એ પ્રકારના મર્મને સ્પર્શનારું વિવેકવાળું જ્ઞાન હોય કે કોઈ યોગીને તેવા પ્રકારના જ્ઞાનનો અભાવ હોય, આમ છતાં તેઓમાં બુદ્ધિરૂપ સત્ત્વની અને પુરુષની સમાન શુદ્ધિ પ્રાપ્ત થાય તો તે પુરુષનો મોક્ષ થાય છે અર્થાત્ તે પુરુષને કૈવલ્ય થાય છે આ પ્રકારનું પાતંજલ યોગસૂત્ર ૩-૫૫ ઉપરનું ભાષ્યકાર વ્યાસમુનિનું વચન અયુક્ત છે, એમ પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે.
કેમ અયુક્ત છે ? તેમાં યુક્તિ આપતાં કહે છે –
પુરુષ અને પ્રકૃતિના ભેદને બતાવે તેવું વિવેકવાળું જ્ઞાન જેમને પ્રગટ થયું છે અને તે જ્ઞાન પ્રકર્ષવાળું થયેલું છે, તે વિવેકથી થનારું કેવલજ્ઞાન છે, કેવલજ્ઞાન વગર પાતંજલયોગસૂત્રમાં કહ્યું તેવી શુદ્ધિના સામ્યની અનુપત્તિ છે; કેમ કે કેવલજ્ઞાન થયા વગર કોઈ યોગીઓ યોગનિરોધ કરી શકતા નથી. કેવલજ્ઞાન થયા પછી યોગીઓ યોગનિરોધ કરે ત્યારે સત્ત્વની અને પુરુષની શુદ્ધિનું સામ્ય પ્રાપ્ત થાય છે અને તેનાથી સર્વકર્મથી મુક્ત થવારૂપ પુરુષનું કૈવલ્ય પ્રાપ્ત થાય છે માટે ભાષ્યકાર કહે છે કે વિવેકજ્ઞાનના અભાવવાળા પુરુષને પણ સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય થાય છે તે વચન મૃષા છે. ફક્ત કોઈ યોગી ઐશ્વર્યવાળા કે અનૈશ્વર્યવાળા હોય આમ છતાં વિવેકથી ઉત્પન્ન થનાર કેવલજ્ઞાન પ્રગટે તો જ તે યોગી યોગનિરોધ કરીને કૈવલ્ય પ્રાપ્ત કરી શકે છે અર્થાત્ કેવલ આત્માની પ્રાપ્તિ કરી શકે છે.