________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
જ્ઞાનયોગ એ મોક્ષમાર્ગની એક અકળ, અલૌકિક અને અનુભવગમ્ય દિશા છે. તેથી આમ જોવા જઈએ તો તેને શબ્દોમાં ઢાળી શકાય તેમ નથી, છતાં શ્રુત અને શ્રુતદેવીની ભક્તિથી અતીન્દ્રિય ભાવોને વ્યક્ત કરવાની અનેરી કુશળતા ધરાવતા પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી ભગવંતે અહીં જ્ઞાનયોગની એક અનુપ્રેક્ષાપ્રેરક ઝલક રજૂ કરી છે. આ જ્ઞાનયોગની પ્રાપ્તિ તો સાધકને આનંદિત કરી જ મૂકે પણ તેના સ્વરૂપનો બોધ પણ સાધકને આત્મિક આનંદથી ન્યાલ બનાવી દે છે. આથી જ આત્મિક આનંદ પ્રાપ્ત કરવા મથતો “અચ્છમતિ” એટલે કે નિર્મળ બુદ્ધિવાળો સાધક શાસ્ત્રના શાબ્દિક બોધથી સંતોષ ન પામતાં, શબ્દોની મર્યાદાને ઓળંગીને જ્ઞાનયોગ' પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે.
આવા સાધકો કોઈપણ પ્રકારના કદાગ્રહ વગર એક માત્ર આત્મકલ્યાણની તીવ્ર કામનાવાળા હોય છે. તેથી તત્ત્વ પ્રત્યે તીવ્ર રુચિ ધરાવતા હોય છે. પૂર્વના અધિકારમાં જણાવ્યું તેમ આ સાધકો સર્વત્ર મધ્યસ્થભાવ ધારણ કરી, ઉપલબ્ધ ધર્મશાસ્ત્રોમાંથી કયા શાસ્ત્રો સર્વજ્ઞના છે તેનો નિર્ણય કરી, તે સર્વજ્ઞના વચનાનુસાર જ સર્વ ક્રિયા કરવા કૃતનિશ્ચયી બન્યા હોય છે. શાસ્ત્રમાં જે ક્રિયા, જે કાળે, જે પ્રકારે કરવાની કહી હોય તે ક્રિયાઓ તેઓ તે જ કાળે, તે જ પ્રકારે તન્મય થઈને કરતા હોય છે, આમ કરતાં તેઓની વિષયોની આસક્તિના આવેગો ઓછા થતાં જાય છે, કષાયો શાંત થતા જાય છે, ચિત્તની સ્વસ્થતા વધતી જાય છે અને આત્મા કાંઈક જુદી જ દુનિયાનો આનંદ અનુભવે છે, તેમનો આ આનંદ પ્રારંભિક કક્ષાનો હોય છે, અલ્પ હોય છે, અલ્પકાળ જ ટકવાનો હોય છે, છતાં બાહ્ય દુનિયાના આનંદ કરતાં આ આનંદ અનેરો હોય છે, તે સમયમાં અનુભવાતી આત્મિક સુખની સંવેદના પણ અલૌકિક હોય છે. વિષય, કષાયના શમનથી પ્રાપ્ત થતી આ આત્મિક આનંદની કે આ સુખની અનુભૂતિ તે જ “અનુભવજ્ઞાન” અર્થાત્ પ્રારંભિક કક્ષાનો “જ્ઞાનયોગ” છે.
આ જ્ઞાનયોગ પ્રાપ્ત થતાં બાહ્ય દુનિયામાં સુખ છે તેવો ભ્રમ ટળે છે અને સ્વયં અનુભવાતી સુખની પ્રતીતિના કારણે સુખ ભીતરમાં પોતાની પાસે જ છે; તેવી શ્રદ્ધા વધુ દઢ થાય છે. આંતરિક સુખની આવી કાંઈક દિશા દેખાતાં, આત્માના અનંત સુખને પ્રાપ્ત કરવાનો ઉત્સાહ જાગે છે, તે માર્ગે વીર્ય વધુ ઉલ્લસિત થાય છે. આ માર્ગે આગળ કેમ વધવું તથા પ્રાપ્ત થયેલા ઉપશમ સુખને વિશુદ્ધ અને ચિરસ્થાયી કેવી રીતે બનાવવું, તેની આંતરસૂઝ પણ પ્રગટે છે. આ આંતરસૂઝ તે જ જ્ઞાનયોગ છે.
જ્ઞાનયોગસ્વરૂપ આ સૂઝ કે અનુભવનો ક્રમશ: ઉપયોગ કરતો સાધક મોહની ભેખડો ભેદી, કષાયોની આગને ઠારી, રાગાદિના ઝેરને દૂર કરી છેક વિતરાગભાવ સુધી પહોંચી શકે છે. આમ જ્ઞાનયોગ એ આત્મોન્નતિનું એક મહત્ત્વનું સોપાન છે, તેના સહારે સાધક આગળ વધતાં સાધનાના ચરમ સોપાન સમાન આત્માની પરમ વિશુદ્ધ એવી પરમ સુખમય અવસ્થાને પામી શકે છે. ////
Jain Education Interational
For Personal & Private Use Only
www jainelibrary.org