________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
૫૫ હવે જો એમ કહેશો કે “વાસના” પણ ક્ષણિક જ છે તો પૂર્વ એક ક્ષણમાં રહેલી વાસના તે પૂર્વેક્ષણમાં જ રહેશે. ઉત્તરબાજુમાં જશે જ નહીં તેથી સર્વે પણ ક્ષણો જેમ ક્ષણિક છે. તેમ વાસના પણ ક્ષણિક જ થઈ. આમ માનવાથી જ્ઞાનક્ષણોથી અતિરિક્ત વાસના જેવું કોઈ તત્ત્વ સિદ્ધ થશે નહીં. તેથી આ વાસનાવાળી બુદ્ધિ પણ કલ્પિત માત્ર થશે. પરમાર્થથી પ્રથમ ક્ષણ બીજા ક્ષણને, બીજો ક્ષણ ત્રીજા ક્ષણને વાસિત કરે છે. આવી વાસના જેવું કોઈ તત્ત્વ સિદ્ધ થશે નહીં.
આ રીતે વિચારણા કરતાં બૌદ્ધમતમાં વાસના પણ સિદ્ધ થતી નથી અને તેથી વાસના દ્વારા આત્મા પણ સિદ્ધ થતો નથી અને ધ્રુવ આત્મતત્ત્વ માન્યા વિના મોક્ષ કોનો થાય? તેથી બૌદ્ધદર્શનની તમામ વાત મિથ્યા જ સિદ્ધ થાય છે.
તથા વળી પ્રતિક્ષણે નવા નવા જે પર્યાયો (પરિવર્તનો) થાય છે. જે નજરે પ્રત્યક્ષ દેખાય છે તે પર્યાયોના આધારભૂત કોઈ નિત્ય દ્રવ્ય માન્યા વિના પર્યાયો થાય જ નહીં. (ધ્રુવદ્રવ્ય સ્વીકાર્યા વિના તેના પર્યાયો ઘટે નહીં.)
હવે જો તમે એમ કહો કે પ્રથમસમયે પ્રગટ થયેલું જ્ઞાનક્ષણ જ પ્રતિસમયે ભિન્ન ભિન્ન પર્યાયવાળું બને છે. તો છેવટે જ્ઞાનક્ષણ ધ્રુવતત્ત્વ થયું અને તેના પર્યાયો જ ક્ષણિક થયા. આમ માનવામાં જો કંઈ વિરોધ તમને દેખાતો નથી તો પછી કોઈ પણ મૂલદ્રવ્ય ધ્રુવ છે અને તેના પર્યાયો પ્રતિક્ષણે પલટાય છે. આમ માનવામાં તમને શું તકલીફ છે ? ખરેખર સાચી હકીકત જ આમ છે કે મૂલભૂત દ્રવ્ય ધ્રુવ છે અને તે પ્રતિક્ષણે નવા નવા પર્યાયવાળું બને છે. અને ખરેખર જગતનું સ્વરૂપ પણ આમ જ છે અને આમ જ માનવું જોઈએ. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય.