________________
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ વિવેચન - ૨૫મી ગાથાના ટબામાં કહ્યું હતું કે બૌદ્ધ આમ કહે છે કે - “અમે અસંચિત્યકૃતકર્મવેફલ્યવાદી છીએ. તે માટે મૃગમારણાધ્યવસાયવાળું વ્યાધચિત્ત (શિકારી મનુષ્યનું ચિત્ત) સમલ છઈ. (મેલું છે, ગંદુ છે, હિંસાત્મક છે) તે ક્ષણનઈં હિંસા કહું છું (તેવા ચિત્તક્ષણને હું હિંસા કહું છું). એટલે કે બૌદ્ધ દર્શનાનુયાયી અમે બૌદ્ધો આમ માનીએ છીએ કે,
મનના વિચાર વિના કોઈ કર્મ કરીએ તો તે નિષ્ફળ છે. તેથી હરણને મારવાના અધ્યવસાયવાળા શિકારીનું ચિત્ત સમલ છે. (મેલુ છે, હિંસાના પરિણામવાળું છે.) તે માટે તેવા ભાવને હું હિંસા કહું છું.
હવે ખરેખર બૌદ્ધ જો આમ જ કહે છે અને તે જેમ કહે છે તેમ માનસિક હણવાના પરિણામ હોય તો જ હિંસા લાગે આવા પ્રકારના મનના પરિણામને જ વધારે પ્રમાણ માની લઈએ તો આવા પ્રકારના મનના પરિણામ વિના કરાયેલી હિંસા એ હિંસા કહેવાશે નહીં. તે હિંસા નિષ્ફળ જ થશે.) અને જો આવું કહીએ તો લોકો વધારે વધારે હિંસા કરશે અને કહેશે કે મારું મન હિંસા કરવાનું નથી. હું તો મન વિના જ હિંસા કરું છું. હિંસાના માર્ગથી વિરામ પામશે નહીં માટે મનના પરિણામ હોય તો જ હિંસા લાગે. મનના પરિણામ ન હોય તો હિંસા ન લાગે આ માર્ગ બરાબર નથી. પરંતુ મનના પરિણામપૂર્વક જો હિંસા કરવામાં આવે તો વધારે દોષ લાગે અને મનના પરિણામ વિના અજાણતાં હિંસા થઈ જાય તો ઓછો દોષ લાગે એમ બને, પણ હિંસા થઈ હોય ત્યાં દોષ તો લાગે જ. આમ માનવું હિતાવહ છે.
જો હોંશે હોંશે હિંસા કરીએ અને મારું મન હિંસામાં નથી. આમ બચાવ કરીએ તો તે ઉન્માર્ગ છે. સાચો માર્ગ નથી. માટે મન વિના કરાયેલી હિંસા દોષ વિનાની છે. આવું બૌદ્ધનું કથન સત્ય નથી.