________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ દિદક્ષાથી સર્જન અને પ્રશાન્તવાહિતાથી નિસર્ગમુક્તિ થાય છે. માટે આ બન્ને સ્વરૂપો પ્રકૃતિના પરિણામમય છે પરંતુ આ બન્ને પરિણામો એક કાળમાં સાથે થતાં નથી. પૂર્વાપરકાળમાં થાય છે. તેથી દિદક્ષા અને નિસર્ગમુક્તિ એ જેમ પ્રકૃતિના કારણે થાય છે તેમ કાળના કારણે પણ થાય છે આમ પણ માનવું જોઈએ. કારણ કે દિદક્ષા પૂર્વકાળમાં જ થાય છે અને નિસર્ગમુક્તિ પાછલા કાળમાં જ થાય છે. તેથી દદક્ષામાં અને પ્રશાન્તવાહિતામાં પ્રકૃતિની જેમ કાળ પણ કારણ છે. પરંતુ એકાન્ત પ્રકૃતિ જ કારણ છે આમ માની શકાય નહીં. તેથી દિદક્ષા અને પ્રશાન્તવાહિતા પ્રગટ થવામાં જેમ પ્રકૃતિ કારણ છે તેમ કાળ પણ કારણ છે આમ હોવાથી એકલી પ્રકૃતિ જ કારણ છે આમ માની શકાય નહીં. સાંખ્યદર્શન કેવળ એકલી પ્રકૃતિને જ દિદક્ષામાં અને પ્રશાન્તવાહિતામાં કારણ માને છે તે વાત બરાબર નથી.
૧૯૨
હવે જો દિદક્ષા અને પ્રશાન્તવાહિતામાં પ્રકૃતિને પણ કારણ માનવામાં આવે અને કાળને પણ કારણ માનવામાં આવે તો અન્ય અશેષ નય (બીજા પણ કેટલાંક કારણો) માનવાની આપત્તિ પણ આવે જ છે. અર્થાત્ સ્વભાવ, પુરુષાર્થ, નિયતિ વગેરેને પણ કારણપણે માનવાં જ પડે છે. તેથી સ્વભાવ-નિયતિ-કાળ-પુરુષાર્થ અને પ્રકૃતિ એમ પાંચેનો ગણ (સમુદાય) જ સર્વકાર્યમાં કારણ છે આ વાત જ સિદ્ધ થાય છે. ઘણો ઘણો પ્રયત્ન કરવા છતાં કોયડું મગ સીઝતા નથી. અભવ્ય આત્માઓ મુક્તિગામી થતા નથી. માટે સ્વભાવ એ પણ એક કારણ જરૂર છે. આ સીઝવાનો સ્વભાવ કોયડુમગમાં અને મુક્તિએ જવાનો સ્વભાવ અભવ્યમાં નથી. માટે ત્યાં કાર્ય થતું નથી.
એ જ રીતે જે કારણમાં જે કાર્ય થવાનું નિયત હોય તે જ કારણમાં તેનો કાળ પાકતાં તે કાર્ય પ્રગટ થાય છે અન્યથા કાર્ય થતું નથી. જેમકે ભવ્યજીવમાં મુક્તિગામિતા હોવા છતાં તેનો જ્યારે કાળ પાકે છે ત્યારે જ તે જીવ મુક્તિ પામે છે. માટે નિયતિ પણ તેમાં અવશ્ય કારણ છે.