________________
૩૧૨
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ નિર્ણય છે. તેથી રત્નત્રયીની સાધનામાં આ જીવ સતત પ્રવૃત્તિ કરતો હોય, પરંતુ ભૂતકાળમાં બાંધેલાં ભારે ચીકણાં કર્મોના કારણે મોક્ષરૂપ ફળને પ્રાપ્ત ન કરી શકે. એટલું જ નહીં પણ આરાધનાના માર્ગે પ્રવેશ કર્યા બાદ પણ ફળની પ્રાપ્તિ ન થવાથી અથવા મોહના તીવ્ર ઉદયથી માર્ગથી વિપરીત પણ ચાલી જાય તો પણ મોક્ષના સાધનભૂત રત્નત્રયીની સાધનાથી વિરામ પામવું નહીં.
કારણ કે રત્નત્રયીની સાધના એ જ મુક્તિનો પરમ ઉપાય છે. કદાચ કાળ પાક્યો ન હોય અથવા શુદ્ધિ બરાબર જળવાઈ ન હોય તો ફળપ્રાપ્તિ ન પણ થાય અથવા મોડી પણ થાય તો પણ મોક્ષપ્રાપ્તિનો ઉપાય તો આ રત્નત્રયીની સાધના જ છે તેમાં લાગેલા રહેવું જોઈએ. તેમાં સતત પ્રવૃત્તિવાળા જ રહેવું જોઈએ.
અહીં કદાચ પૂર્વપક્ષકાર આવો પ્રશ્ન કરે કે રત્નત્રયીની સાધના તો ઘણા જીવો કરે છે. પરંતુ તે સાધના કરનારા તમામ જીવોને ફળની પ્રાપ્તિ કંઈ થતી નથી. અભવ્યો પણ દીક્ષા લઈને રત્નત્રયીની ઉપાસના કરે છે. નવપૂર્વ જેટલો જ્ઞાનાભ્યાસ અને માખીની પાંખને પણ દુઃખ ન થાય તેવું ચારિત્ર પાળે છે. છતાં મુક્તિ તો નહીં પણ સમ્યક્ત્વ પણ પામતા નથી. તો પછી આવી ધર્મક્રિયાને મુક્તિનો ઉપાય કેમ કહેવાય? આવો કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન વ્યાજબી નથી.
જેમ ખેડૂત ચોમાસાનો ટાઈમ આવે ત્યારે વરસાદ આવશે કે નહીં ? અનાજ ઉગશે કે નહીં ? આ બધું અનિયત હોવા છતાં અનાજ ઉગાડવાનો માર્ગ ચોમાસાનો ટાઈમ આવે ત્યારે ખેતી કરવી આ એક જ માર્ગ ઉચિત હોવાથી યોગ્ય કાળે અનાજ ઉગાડવાની વપનક્રિયા (વાવવાની ક્રિયા) અવશ્ય કરે જ છે. વરસાદની શંકા હોવા છતાં પણ અનાજ વાવવાનું કામ કરે જ છે.