________________
૨૪૪
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ જે જે શાશ્વતભાવ હોય છે, એટલે કે અનાદિના હોય છે, ત્યાં સૌથી પ્રથમ કોણ? અને અપ્રથમ (બીજો) કોણ? આવો પૂર્વાપર ભાવનો પ્રશ્ન કરાય નહીં જો કે સંસારી અવસ્થા ટળે ત્યારે જ મુક્ત અવસ્થા થાય છે એટલે પ્રથમ સંસાર અને પછી મુક્તિ છે. આમ કોઈ પણ એક જીવ આશ્રયી ક્રમયોગ છે. કોઈપણ મોક્ષે જતા વિવક્ષિત એક જીવને આશ્રયી સંસાર અનાદિ પણ મોક્ષ સાદિ, આમ મોક્ષની આદિ છે. પરંતુ પ્રવાહથી અનાદિકાળથી જીવોનું મોક્ષમાં ગમન ચાલ્યા જ કરે છે તેના કારણે પ્રવાહથી અનાદિ-અનંત છે.
સારાંશ કે કોઈપણ એક જીવને આશ્રયી સિદ્ધભાવ આદિવાળો છે પરંતુ કાળ અનંત ગયો હોવાથી પ્રવાહથી સિદ્ધભાવ અનાદિ છે. ભવ અને નિર્વાણમાં ક્રમયોગ છે. પ્રથમ ભવ અને પછી જ નિર્વાણ, પરંતુ સૌથી પ્રથમ નિર્વાણ કોણ પામ્યું? સૌથી પ્રથમ સંસારમાં કોણ આવ્યું? આ બન્ને પ્રશ્નો બરાબર નથી. કારણ કે બન્ને ભાવો અનાદિ છે. જે અનાદિકાળથી હોય છે. તેમાં પૂર્વાપરભાવ કહી શકાતો નથી અને જાણી પણ શકાતો નથી.
ઈંડામાંથી કુકડી થાય, અને કુકડીમાંથી ઈંડું થાય, ગોટલીમાંથી આંબો થાય અને આંબામાંથી (કેરી થવા દ્વારા) ગોટલી થાય. રાત્રિ પછી દિવસ અને દિવસ પછી રાત્રિ. આમ વિભાગવાર ક્રમ હોવા છતાં પણ પ્રવાહથી અનાદિ છે. આ ઉદાહરણોની જેમ કોઈ જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે તે જીવને આશ્રયી પ્રથમ સંસાર અને પછી મોક્ષ આમ વ્યક્તિને આશ્રયી ક્રમયોગ છે. પરંતુ સૌથી પ્રથમ કોણ સંસારમાં આવ્યું અને સૌથી પ્રથમ કોણ મોક્ષે ગયું? આ બાબત પ્રવાહને આશ્રયી અનાદિ છે માટે આદિ નથી. આ બાબત શ્રી ભગવતીસૂત્રમાં કહેલી છે.
જે દિવસ વર્તમાન બને છે તે દિવસ બીજા જ દિવસે અતીતકાળ થાય છે. પણ પ્રત્યેક દિવસો વર્તમાન થઈને જ અતીતરૂપે થાય છે.