________________
સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૦૫
બીજા આદિ સિદ્ધ થનારા પણ કોનામાં જઈને ભળીને રહે? મોક્ષના જીવોમાં અનાદિસિદ્ધ કોઈ કોઈ જીવો છે આવું તમે જૈનો માનતા નથી. બધાને કોઈને કોઈ વર્ષે મોક્ષે ગયા છે આમ કહીને સાદિ જ માનો છો તો સાદિ પણે જનારો જીવ તેની પૂર્વે કોઈ સિદ્ધ ન હોવાથી કોનામાં ભળીને રહે ? તેથી તમારી આ વાત પણ યુક્તિસંગત નથી.
તથા વળી સર્વે પણ મોક્ષે જનારા જીવોને તમે સાદિ-અનંત માનો છો અનાદિસિદ્ધ કહેતા નથી. તો જે જે કોઈ જીવ કર્મો ખપાવીને સિદ્ધ થાય છે તે તે જીવો કર્મો ખપાવવાની સાધના કરવા દ્વારા જ મોક્ષે જાય છે જે જે જીવો આત્મસાધના કરીને મોક્ષે ગયા છે તે સર્વેમાં સૌથી પ્રથમ જે મહાત્મા સાધના કરીને મોક્ષે ગયા હશે તે સૌથી પ્રથમ હશે. તેની પૂર્વે મોક્ષ સર્વથા ખાલી જ હશે એમ જ માનવું પડે.
હવે જો પૂર્વે કોઈ સિદ્ધ થયેલા હતા જ નહીં તો આ સૌથી પ્રથમ સિદ્ધ થનારા સાધકે કોને નમસ્કાર કર્યા હશે ? કોની સેવા ભક્તિ કરી હશે કે જેથી પોતાનો મોક્ષ થાય. કારણ કે પોતે જ પહેલો સિદ્ધ થવાનો છે તેની પૂર્વે કોઈ સિદ્ધ છે જ નહીં. તો તેને શરણ લેવા લાયક કોઈ સિદ્ધ જ જો ન હોય તો આલંબન વિના તેનો પણ મોક્ષ કેમ થાય? એટલે પહેલા સિદ્ધ વિના બીજા-ત્રીજા સિદ્ધની સિદ્ધિ થશે નહીં અને પહેલા સિદ્ધ પણ સાધ્ય વિના સિદ્ધ થશે નહીં. “તેથી સિદ્ધ છે” આમ માનવું તે મિથ્યા કલ્પનામાત્ર છે.
તથા વળી પહેલો સંસાર કે પહેલાં મુક્તિ ? આ બન્નેમાં આ જીવને પ્રથમ શું હોય ? જો સંસાર પ્રથમ હોય તો તે જીવ જ્યારે મોક્ષે ગયો ત્યારે તેના મોક્ષની સાદિ થઈ આ રીતે મોક્ષ સાદિ જ થશે. તમે તેને અનાદિ માનો છો તે ઘટશે નહીં. હવે જો બીજો પક્ષ માનો તો એટલે કે પ્રથમ મોક્ષ અને પછી સંસાર આમ જો માનો તો વતો વ્યાયાત નામનો દોષ લાગે. કારણ કે આ જીવ જો સંસારમાં ફસાયો જ ન હોય એટલે કે બંધાયો જ ન હોય અને પ્રથમથી જ મોક્ષ હોય તો તેને મુક્ત થવાનું કેમ ઘટે ?