________________
૮૪
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ નયની અપેક્ષાએ બન્ને સ્વરૂપ સ્વીકારવાં જોઈએ. બન્ને નયોવાળું સ્વરૂપ હોવા છતાં એક નયનું જ સ્વરૂપ સ્વીકારવું અને બીજા નયની વાત ન સ્વીકારવી તે બૌદ્ધની વાત બરાબર નથી. તેથી બન્ને નયોથી ભરેલું જગતનું સ્વરૂપ છે. તેમાંથી માત્ર કોઈપણ એક નય માનતાં અને બીજો નય ન માનતાં “નવ સાંધતા તેર તુટે છે” આવી લોકોક્તિ લાગુ પડે છે. જ્યાં જ્યાં ખોટી વાત હોય છે ત્યાં ત્યાં યુક્તિ-પ્રયુક્તિ આપીને ભલે પોતાની બુદ્ધિ પ્રમાણે વસ્તુ સિદ્ધ કરવામાં આવે તો પણ બીજી બાજુ દોષ આવે જ છે. માટે નવ ભાગ સાંધવા જતાં તેર ભાગ તુટે છે આવી લોકોક્તિ (ઉખાણો અર્થાત્ કહેવત) લાગુ પડે છે તેથી બૌદ્ધની આ વાત પણ સત્યતા વિનાની જ છે. હલાહલ જુઠ્ઠાણું જ છે. ૨૯લા
અવતરણ :- વસ્તુને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય માનવાથી રાગાદિ થતા નથી. પરંતુ યથાર્થજ્ઞાન થાય છે અને ખરેખર પદાર્થ પણ તેવો જ છે. આમ યથાર્થ જ્ઞાન થવાથી રાગાદિ થતા નથી. તે સમજાવે છે.
નિત્યપણાથી નહીં ધ્રુવરાગ, સમભાવિ તેહનો નહીં લાગ નિત્યપણઈ ફળહેતુસંબંધ, નહીં તો ચાલઈ અંધોઅંધ ૩૦ll
ગાથાર્થ :- આત્માને નિત્ય માનવાથી અવશ્ય રાગ થાય જ એવો નિયમ નથી. સમભાવ દશા આવવાથી તે રાગને પ્રવેશવાનો જરા પણ લાગ ફાવતો નથી. (અર્થાત્ રાગ થતો નથી). નિત્યપણું માનવાથી “ફળહેતુ ભાવનો એટલે કાર્ય કારણ ભાવનો સંબંધ ઘટી શકે છે. (જે આત્મા કર્મોથી બંધાયો છે તે જ આત્મા કાલાન્તરે કર્મોથી મુક્ત થાય છે.) આમ બંધ અને મોક્ષ યથાર્થપણે ઘટી શકે છે. જો આમ ન માનીએ તો ધર્મપ્રવૃત્તિ સર્વપ્રકારે અંધપરંપરારૂપે જ થઈ જાય છે. (૩૦)