________________
સમ્યક્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન
૧૦૫
દેખાતા કુતરા ઉપર ગુસ્સો કરે છે, અને જળમાં દેખાતા સિંહ ઉપર અસલ સિંહ ગુસ્સો કરે છે. પરંતુ વાસ્તવિકપણે તો બીજો કૂતરો પણ નથી અને બીજો સિંહ પણ નથી. સ્વપ્નમાત્ર (ભ્રમમાત્ર) જ છે.
તે દૃષ્ટાન્તની જેમ વાસ્તવિકપણે એક બ્રહ્મ જ છે અને તે એક બ્રહ્મ એ જ આત્મા છે. પરંતુ અનેક આત્મા નથી. આમ હોવા છતાં અજ્ઞાની આ જીવ અજ્ઞાનના કારણે અનેક જીવો છે આમ દેખે છે, અને તેમાં મોહાંધ થાય છે અને તેના કારણે અનંતસંસારી બને છે.
તથા વળી જેમ કરોળીયો પોતે જ પોતાને રહેવા માટે જાળ બનાવે છે અને તેમાં પોતે જ ફસાય છે. તેવી જ રીતે સંસારી જીવ અજ્ઞાનના કારણે “હું કર્મોથી બંધાયેલો છું” આવી મનમાં કલ્પના કરીને આવી કાલ્પનિક જાળમાં ફસાય છે જે મોટા બંધનરૂપ બને છે, પારમાર્થિક રીતે તો આ જીવ સદા નિત્યમુક્ત જ છે. કોઈથી બંધાયેલો નથી, અનંત આત્મા જ નથી. સર્વ જગતમાં એક જ આત્મા છે. આમ વેદાન્તી કહે છે.
તથા જેમ કુતરાને કે સિંહને પોતાના પ્રતિબિંબનું જ્ઞાન નહીં હોવાથી ભસે છે અને યુદ્ધ કરે છે. વાસ્તવિકપણે બીજો કુતરો પણ નથી અને બીજો સિંહ પણ નથી તેવી જ રીતે સંસારી જીવને બ્રહ્મજ્ઞાન નહીં હોવાથી પોતાનાથી ભિન્ન અનંત જીવો અને ઘટ-પટ આદિ અનેક પદાર્થો દેખાય છે અને તેમાં મમતાથી અથવા ક્રોધથી અને દ્વેષથી બંધાય છે. કરોળીયાએ કરેલી જાળમાં જેમ તે કરોળીયો જ ફસાઈ જાય છે તેમ આ આત્મા બ્રહ્મસ્વરૂપ હોવા છતાં પણ અજ્ઞાનતાના કારણે પોતાની મનમાની કલ્પના કરીને પોતે જ કર્મોથી બંધાયેલો છે. આમ માની લે છે અને ધર્મકાર્ય કરવા જોડાય છે, પરંતુ વાસ્તવિકપણે તો આ જીવ નિત્ય મુક્ત જ છે. તેને કોઈપણ પ્રકારનું બંધન છે જ નહીં, જે કોઈ બંધન જણાય છે તે સઘળાં પણ જુઠાં-જુઠાં જ બંધન છે. પરમાર્થથી જીવ પોતે એકલો જ છે અને તે બ્રહ્માત્મા સ્વરૂપ છે. બાકી બધું ભ્રમાત્મક છે, માટે જુદું છે આમ જાણવું. ॥૪૦॥