________________
૫૪
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ કર્મની સાથે બંધ પામે તે જ ક્ષણે તે આત્મા કર્મના બંધનમાંથી મુક્ત કેમ થાય ? જે આત્મા કર્મોથી બંધાયો છે તે જ આત્મા કંઈક પણ આત્માસાધના કરે અને કર્મો તોડવાનો ઉપાય અપનાવે તો જ કર્મોથી તે મુક્ત બની શકે. પરંતુ જે બંધક્ષણ છે તે સમયે તો કર્મ બંધાતાં જ હોવાથી મુક્તતા ઘટી શકે નહીં અને ઉત્તરક્ષણે મોક્ષ લઈએ તો તે સમયે બંધક્ષણ ન ઘટે. કારણ કે બંધક્ષણ તો વીતી ગયેલ છે.
તથા વળી જે ઉત્તરક્ષણમાં મોક્ષ થાય છે ત્યાં સાધના જ નથી તેથી મોક્ષક્ષણ સાધના વિનાનો હોવાથી મોક્ષ ઘટશે નહીં. માટે બંધક્ષણ અને ઉત્તરક્ષણ વચ્ચે સાધના કરનારું કોઈ એક સ્થાયી ધ્રુવદ્રવ્ય હોવું જોઈએ. પરંતુ બૌદ્ધના મતે આવું સ્થાયી કોઈ દ્રવ્ય ન હોવાથી આ બંધમોક્ષની વ્યવસ્થા ઘટશે નહીં.
બૌદ્ધ અહીં કદાચ બૌદ્ધ પોતાના તરફથી આવી દલીલ કરે કે બંધક્ષણ અને મોક્ષક્ષણ ભિન્ન-ભિન્ન છે પરંતુ ધ્રુવ એવું આત્મદ્રવ્ય નથી જ. પણ “વાસના” નામનું એવું એકતત્ત્વ છે કે જે પૂર્વાપર સમયનો સંબંધ કરી આપે છે તે આ પ્રમાણે -
-
બંધક્ષણ પોતાની વાસના બીજા ક્ષણને આપે છે અને તે ઉત્તરક્ષણ પોતાની વાસના તેના પછીના ઉત્તરક્ષણને આપે છે. આમ ધારાવાહી ચાલવાથી બંધક્ષણથી મુક્તક્ષણ સુધીનો આત્મા આ રીતે વાસના દ્વારા સિદ્ધ થશે.
ઉપર કહ્યા પ્રમાણે કદાચ બૌદ્ધ પોતાનો પક્ષ આ રીતે રજુ કરે (સિદ્ધ કરે) તો તે બૌદ્ધને અમે પુછીએ છીએ કે પ્રતિક્ષણમાં થતી આ વાસના જો એક છે આમ કહેશો તો ધ્રુવ એવું આત્મદ્રવ્ય જ શબ્દાત્તરથી સિદ્ધ થશે. કારણ કે તમારા મતે તો સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ છે અને તમે વાસનાને ધ્રુવ માની એટલે નિત્ય એવો આત્મા સ્વીકારેલો જ થયો. તમે તમારા મતથી વિરુદ્ધ માન્યતાવાળા થયા. (સ્વમતવિઘાત થયો)