________________
(૧૦૧)
(૮) ધ્વજ સોનાના દંડ ઉપર ફરફરતો, અગ્રભાગે મોરપીંછથી યુક્ત વિવિધરંગી ધજાવાળો છે. તેમાં સિંહની આકૃતિ છે. તે ધ્વજ જ્યારે ઊંચે આકાશમાં ઊડે, ફરફરે ત્યારે આકાશને ચીરી નાંખવા માટે જાણે સિંહ કૂદતો હોય તેવું લાગતું હતું.
(૯) ચાંદીનો પૂર્ણ કળશ તે નિર્મળ જળથી ભરપૂર, ચારે બાજુ કમળોના સમૂહવાળો, સર્વમંગલોથી યુક્ત, નયન-મનોહર, નિરૂપમ અને સર્વ દિશાઓને પ્રકાશિત કરતો હતો. તેની ઉપર સુંદર-સુગંધિત પુષ્પોની માળાઓ ટીંગાઈ હતી.
(૧૦) પદ્મસરોવર કમળોના પરાગથી લાલ થયેલ પાણીવાળું, દેદીપ્યમાન પ્રકાશિત, અનેક કમળોથી યુક્ત, કમળ પર જામેલ ભમરોના ટોળાવાળું, અનેક નરમાદા પક્ષીઓ, જેવા કે હંસહંસી, સારસ–સારસી વગેરે યુગલોવાળું, કિલ્લોલ કરતાં અનેકવિધ નાનાં-મોટાં પક્ષીવાળું તે સરોવર હતું.
તે સરોવરનાં કમળોનાં પાન ઉપર ઝાકળનાં બિંદુઓ ઝૂમી રહ્યાં હતાં. હૃદયને આનંદ આપનાર અનુપમ તે સરોવર હતું.
(૧૦૧)